________________
★
*
૧૨
પરિચય *****
**********
★
* આ અધ્યયનનું નામ રથનેમીય છે. તેમાં રથનેમિ સંબંધી પ્રસંગકથા મુખ્ય છે. અધ્યયનના પૂર્વાર્ધમાં સમુદ્રવિજય રાજાનો કુલ પરિચય, તેમના મોટા પુત્ર અરિષ્ટનેમિનાં ગુણો, લક્ષણો તથા તેમની રાજેમતી સાથે સગાઈ અને જાન પ્રસ્થાન વગેરે વિષયોનું વર્ણન છે. ત્યાર પછી વાડામાં પિંજરામાં પુરાયેલાં પશુ-પંખીઓનાં ચીત્કાર; લગ્ન પ્રસંગે યોજાયેલા ભોજન સમારંભ માટે હજારો નિર્દોષ પશુ પંખીઓની હિંસા વગેરે દશ્યો જોઈને કરુણાદ્ર અરિષ્ટનેમિ અવિવાહિત પાછા ફરી દીક્ષા ગ્રહણ કરવી, તે પ્રસંગનું પ્રતિપાદન છે અને શોકમગ્ન રાજેમતીએ સંસારથી વિરક્ત થઈને દીક્ષા ગ્રહણ કરી, તેનું કથન છે.
★
બાવીસમું અધ્યયન
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
ભગવાન અરિષ્ટનેમિ એક વખત રૈવતક પર્વત ઉપર બિરાજમાન હતા. રાજેમતી વગેરે અનેક સાધ્વીઓ તેમના દર્શનાર્થે રૈવતક પર્વત પર જઈ રહી હતી, પરંતુ રસ્તામાં વાવાઝોડા સહિત વરસાદના કારણે બધી સાધ્વીઓ અલગ-અલગ થઈ ગઈ. રાજેમતી એકલી એક ગુફામાં પહોંચી. તેણીએ પોતાના ભીનાં કપડાં ઊતારી સૂકવવા માટે જયણાપૂર્વક ફેલાવ્યાં. તે ગુફામાં રથનેમિ મુનિ ધ્યાનમાં લીન હતા. રાજેમતીને નિર્વસ્ત્ર જોઈ તેમનું મન ચલિત થઈ ગયું. રથનેમિએ સતીની પાસે સંસારી સુખો ભોગવવાનો પ્રસ્તાવ કર્યો. પરંતુ રાજેમતીએ કુલ અને શીલની મર્યાદાઓનો ઉલ્લેખ કરી, રથનેમિને સમજાવી સંયમપથ ઉપર સ્થિર કર્યા. રાજેમતી અને રથનેમિ બંને વિશુદ્ધ સંયમનું પાલન કરી સિદ્ધ-બુદ્ધ-મુક્ત બન્યાં.
આ અધ્યયનમાં રાજેમતીએ રથનેમિને આપેલો ઉપદેશ સંકલિત છે. તે પથભ્રષ્ટ થતાં પ્રત્યેક સાધકને વિવેકમય પ્રેરણા આપે છે, સાવધાન કરે છે. તે બોધ આજે જ આપ્યો હોય એવો દીપ્તિવાન છે. પ્રત્યેક સાધક માટે તે દીવાદાંડીરૂપ છે. જે તેની જીવન-નૌકાને ભોગ-વાસનાના ખડક સાથે અથડાતાં બચાવે છે. આ બોધ વચનો શાશ્વત સત્ય છે, અજર અમર છે.
આ રીતે પૂર્વાર્ધમાં પ્રભુ નેમનાથના લગ્ન, દીક્ષા વગેરે પ્રસંગોનું વર્ણન હોવા છતાં ઉત્તરાર્ધમાં સતી રાજેમતી દ્વારા રથનેમિને ભોગ માર્ગથી પાછા વાળવા માટે અપાયેલા ઉપદેશની પ્રધાનતા હોવાથી અધ્યયનનું નામ રથનેમીય સાર્થક છે.
܀܀܀܀܀