________________
અધ્યયન પરિચય
[ ૩૫ ]
અષ્કાય, વનસ્પતિકાય, તે ત્રણ અને ત્રસના તેજસ્કાય, વાઉકાય અને ઉદાર ત્રસકાય તે ત્રણ ભેદ છે. ઉદાર ત્રસ જીવોના બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિયરૂપ ચાર ભેદ છે. પંચેન્દ્રિયના નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ, તે મુખ્ય ચાર ભેદ છે. જીવના પ્રત્યેક ભેદની સાથે તેના ક્ષેત્ર અને કાલનું વર્ણન છે. તેમજ કાલની અપેક્ષાએ દરેક જીવની આયુસ્થિતિ, કાયસ્થિતિ અને અંતરનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી ભાવનું વર્ણન કરતાં વર્ણાદિની અપેક્ષાએ જીવોના હજારો ભેદોનું પ્રતિપાદન છે. ત્યાર પછી જીવ અને અજીવના સ્વરૂપનું શ્રવણ, જ્ઞાન અને શ્રદ્ધા કરીને તેની ફળશ્રુતિરૂપે સંયમમાં રમણ કરવાનું વિધાન છે. અંતિમ સમયમાં સંથારાપૂર્વક સમાધિમરણ પ્રાપ્ત કરવા માટે સંલેખનાની આરાધનાનું વિસ્તૃત વર્ણન છે. તેની વિશુદ્ધિ માટે કંદર્પ આદિ પાંચ અશુભ ભાવનાઓથી બચીને આત્મરક્ષા કરવાનું મિથ્યાદર્શન, નિદાન, હિંસા અને કૃષ્ણલેશ્યાથી દૂર રહીને સમ્યગુદર્શન, અનિદાન અને શુક્લલશ્યાના પરિણામોમાં રહીને, જિનવચનમાં અનુરાગ રાખી તેનું ભાવપૂર્વક આચરણ કરવાનું નિરૂપણ છે. અંતે સુદઢ શ્રદ્ધા સંપન્ન ગુરુજન પાસે આલોચનાદિથી શુદ્ધ થઈને પરિત્ત સંસારી બનવાનો નિર્દેશ છે. આ રીતે આ અધ્યયનમાં જીવ-અજીવના વિસ્તૃત વર્ણન સાથે સંયમમાં રમણ કરવાની પ્રેરણા આપી સંસારી જીવોને સંસારથી મુક્ત થવાનો માર્ગ પ્રગટ કર્યો છે.