________________
૩૬૪
છત્રીસમું અધ્યયન
શ્રી ઉત્તરાયન સૂત્ર ૨
પરિચય કે એક
પ્રસ્તુત છત્રીસમા અધ્યયનનું નામ 'જીવાજીવ-વિભક્તિ' છે. તેમાં જીવ અને અજીવના વિભાગોનું એટલે ભેદ-પ્રભેદોનું નિરૂપણ છે.
સમગ્ર સૃષ્ટિ જડ-ચેતનમય છે. આ લોક જીવ અને અજીવનો જ વિસ્તાર છે. આકાશના જે ભાગમાં જીવ અને અજીવ દ્રવ્ય છે તે આકાશખંડ લોક કહેવાય છે અને જ્યાં વ-અજીવ દ્રવ્ય નથી, કેવળ આકાશ દ્રવ્ય જ છે, તે અલોક કહેવાય છે. લોક અને અલોક બંને અનાદિ અનંત છે, તેથી તેના કોઈ કર્તા, ધર્તા કે સંહર્તા નથી.
*******
સંક્ષેપમાં જીવ અને અજીવ આ બે મૂળ દ્રવ્યો છે, બાકીના જોવાતા પદાર્થો આ બે દ્રવ્યોના ભેદપ્રભેદરૂપ છે અથવા તેના સંયોગ-વિયોગથી નિષ્પન્ન થાય છે. જીવ અને અજીવનો સંયોગ પ્રવાહરૂપથી અનાદિ કાલીન છે; વિશેષરૂપથી તે સાદિ સાંત છે. જ્યાં સુધી જીવ સાથે કર્મપુદ્ગલો અથવા અન્ય સાંસારિક પદાર્થોનો સંયોગ રહે છે ત્યાં સુધી તેને જન્મ-મરણ કરવા પડે છે. જીવને કર્મપુદ્ગલના સંયોગે દેહ, ઇન્દ્રિય, મન, ભાષા, સુખ, દુઃખ આદિ થાય છે. પ્રવાહરૂપથી અનાદિ સંયોગ હોવા છતાં પુરુષાર્થથી તેનો અંત થઈ શકે છે. ઉક્ત સંયોગની પરંપરાનું મુખ્ય કારણ જીવના રાગ-દ્વેષ આદિ વૈભાવિક ભાવો છે. જ્યારે કોઈ પણ આત્મા આ સત્યને સમજીને સ્વીકારે અને જ્ઞાનીઓના નિર્દેશ અનુસાર પુરુષાર્થ કરે, ત્યારે તે રાગ-દ્વેષાદિ ભાવોનો નાશ કરે છે અને તેનો નાશ થતાં તત્જનિત કર્મબંધન અને તેનાથી પ્રાપ્ત આ સંસાર ભ્રમણ સ્વતઃ સમાપ્ત થઈ જાય છે. જીવ અને અજીવની ભિન્નતાને સમજવી એ જ આ અધ્યયનનો ઉદ્દેશ છે, જે આ અઘ્યયનના પ્રારંભિક કથનથી સ્પષ્ટ થઈ જાય છે અને તે જ તત્ત્વજ્ઞાનનું ફળ છે, તે જ સમ્યગ્દર્શન છે, તે જ સમ્યગજ્ઞાન છે. આ જ્ઞાન અને દર્શનના સંયોગે જેને જિનવચનમાં અનુરાગ થાય છે તે જિનવાણીને હૃદયંગમ કરીને જીવનમાં તેનું ભાવપૂર્વક આચરણ કરે છે અને તે આચરણનું અંતિમ ફળ મોક્ષ છે.
આ અધ્યયનમાં સર્વ પ્રથમ અજીવ દ્રવ્યનું નિરૂપણ કર્યું છે. અજીવ દ્રવ્યમાં ધર્માસ્તિકાય, અર્ધમાસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ, તે ચાર અરૂપી દ્રવ્ય છે અને પુદ્ગલાસ્તિકાય, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સહિત હોવાથી રૂપી દ્રવ્ય છે. ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો અખંડ હોવા છતાં વિશેષ વિજ્ઞાથી સૂત્રકારે તેના સ્કંધ, દેશ, પ્રદેશ તે ત્રણ-ત્રણ ભેદોનું કથન કર્યું છે અને પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ તે ચાર ભેદ કર્યા છે. તેમજ દરેક દ્રવ્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ સ્પષ્ટીકરણ સાથે તેની સ્થિતિ અને અંતરને પણ સ્પષ્ટ કર્યું છે. અજીવ દ્રવ્યનું વર્ણન પૂર્ણ થતાં જીવ દ્રવ્યનું વિસ્તારથી નિરૂપણ છે. જીવના મુખ્ય બે ભેદ છે– સિદ્ઘ અને સંસારી. સંપૂર્ણ કર્મ રહિત હોવાથી સર્વ સિદ્ધાત્માઓ એક સમાન છે. તેમ છતાં તેના ભૂતકાલના ક્ષેત્ર, કાલ, ગતિ, લિંગ, તીર્થ આદિની અપેક્ષાએ અનેક ભેદ થાય છે. સિદ્ધના વર્ણન પછી સંસારી જીવોના બે મુખ્ય ભેદ કરવામાં આવ્યા છે– ત્રસ અને સ્થાવર. સ્થાવરના પૃથ્વીકાય,