________________
**
આવી નાજુક ક્ષણોમાં સાધકોએ કેવી માનસિક સમતુલા જાળવવી જોઈએ તેનું પ્રદર્શન થયું છે.
હવે અહીં આપણે ‘અષ્ટ પ્રવચન માતા' વિષે એક પેરેગ્રાફમાં થોડું તાત્ત્વિક વિવેચન કરી આ ‘ઉત્તર ઉપદેશની સમીક્ષા' સમાપ્ત કરીશું.
જૈન દર્શનની બે ધારા– સમિતિ અને ગુપ્તિ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. એ બંનેને ગંભીરતાથી સમજવાની જરૂર છે. જો કે અમે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ વિષે એક નિબંધ તૈયાર કર્યો છે, જે પ્રકાશિત થવા સંભવ છે. એટલે અહીં ઇશારો માત્ર કરશું.
કેટલાક એમ માને છે કે– જૈનધર્મ નિવૃત્તિ પ્રધાન છે. વસ્તુતઃ આ કથન એકાંતવાદી બની જાય છે. જૈન તત્ત્વજ્ઞાન અનેકાંતવાદી છે, કોઈ પણ જીવંત દર્શન કે જીવંત વ્યક્તિ એકાંત નિવૃત્તિ પ્રધાન બની શકે નહીં. પ્રવૃત્તિ એ ચાલવાની ક્રિયા છે અને તેમાં આવતા વિઘ્નોને ટાળવા તે નિવૃત્તિની ક્રિયા છે. જો પ્રવૃત્તિ ન હોય તો નિવૃત્તિ શેની કરવાની ? નિવૃત્તિનો અર્થ શૂન્યતા નથી પરંતુ પ્રવૃત્તિમાં જે સ્ખલના થાય છે અથવા સ્ખલનાના કારણો ઉદ્ભવે છે તેનાથી બચી સાધનાને ગતિપ્રદ રાખવી. તાત્પર્યએ છે કે શુદ્ધ પ્રવૃત્તિમાં અશુદ્ધ પ્રવૃત્તિ બાધક બને છે, તો અશુદ્ધ પ્રવૃત્તિને ટાળવી તે નિવૃત્તિ છે અને પ્રવૃત્તિનું ચક્ર તો ગતિમાન છે જ.
જેમ પાણીની શુદ્ધ ધારા વહેતી હોય, તેમાં કોઈ અશુદ્ધ ધારા મળી સંપૂર્ણ ધારાને ગંદી કરે, તો અશુદ્ધ ધારાને ટાળવી, પરાઙમુખ કરવી, રોકવી, તેને દૂર કરવી; તે નિવૃત્તિ છે અને શુદ્ધ ધારાને ચાલુ રાખવી તે પ્રવૃત્તિ છે.
જુઓ– મનોગુપ્તિમાં પણ સત્યમય ચિંતન ધારાને નિવૃત્તિમાં જ મૂકી છે. તેનો અર્થ એ થયો કે નિવૃત્તિ કે પ્રવૃત્તિ બંને ઉપલક્ષ્ય શબ્દ છે. વસ્તુતઃ બન્નેનું નિશાન એક જ છે, ‘સમિતિ’ એટલે સમ્યક્ પ્રકારે ગતિ અને ‘નિવૃત્તિ’ એટલે અસમ્યક્ ભાવોને ટાળવા. ‘નિવૃત્તિ’ એ સમિતિની પૂરક છે. તો જૈનદર્શન એકાંત નિવૃત્તિવાદી કેમ કહી શકાય ? વસ્તુતઃ જૈનદર્શન શુદ્ધ પ્રવૃત્તિવાદી જેથી ભગવાને ‘સમિતિ’ શબ્દ પહેલો મુક્યો છે.
કર્મના બધા સંયોગો સમાપ્ત થતા અંતે અયોગી આત્મા સમગ્ર પ્રવૃત્તિથી પરિનિર્વાણ પામી, મહાગુપ્તિમાં સ્થિર થઈ જાય છે. ત્યાં ‘ગુપ્તિ’ના ભાવો પણ શેષ થઈ જાય, કારણ કે મન, વચન, કાયાના યોગ નથી તો ‘ગુપ્તિ’ કોની ?
સાર એ થયો કે— ‘સમિતિ’ અંતિમ ક્ષણ સુધી સાથ આપી, ‘ગુપ્તિ’થી પણ ‘પરે’ એવા અયોગી સિદ્ધ સ્થાનમાં જીવને પહોંચાડી, સ્વયં વિલુપ્ત થઈ જાય છે. ખરેખર!
AB
27