________________
૨૨૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ત્રીસમું અધ્યયન પરિચય
છે. આ અધ્યયનમાં તપસ્યાના માર્ગ તરફ ગતિ(પુરુષાર્થ) કરવાનું સૂચન છે. તેથી તેનું નામ તપોમાર્ગ ગતિ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની જેમ તપ પણ મોક્ષમાર્ગ છે. વસ્તુતઃ તે ચારિત્રનું જ એક અંગ છે. તેમ છતાં કર્મક્ષયની સાધનામાં તપ, એ એક તીવ્ર સાધન છે, તેથી તેની વિશિષ્ટતા સૂચિત કરવા શાસ્ત્રકારે અઠ્ઠાવીસમા અધ્યયનમાં મોક્ષમાર્ગના ચાર અંગોમાં ચોથા અંગરૂપે તપનું અલગ કથન કર્યું છે, તેમજ પ્રસ્તુત સંપૂર્ણ અધ્યયન તપના વિસ્તાર માટે જ નિરૂપિત કર્યું છે. અધ્યયનમાં પ્રારંભની ગાથાઓમાં તપનું માહાસ્ય પ્રદર્શિત કર્યું છે કે તપથી કરોડો ભવોના સંચિત કર્મોનો ક્ષય થાય છે. તપ એ દિવ્ય રસાયણ છે, તે શરીર અને આત્માના યૌગિક ભાવોને દૂર કરી આત્માને પોતાના અયોગી સ્વરૂપમાં સ્થાપિત કરે છે. અનાદિકાલથી આત્માને શરીર સાથે ગાઢ સંબંધ રહ્યો છે. તે સંબંધ તૂટે, શરીરની મૂર્છા છૂટે, તો જ આત્મા સંયમમાં સ્થિર રહી શકે છે. તપ એ શરીરની મૂર્છા તોડવા માટેનો એક અમોઘ ઉપાય છે. તપના બે ભેદ છે– બાહ્યતપ અને આત્યંતર તપ. આ અધ્યયનમાં બાહ્યતપના છ પ્રકાર અને આત્યંતર તપના છ પ્રકાર, તેમ બાર પ્રકારના તપનું ભેદ-પ્રભેદપૂર્વક વિસ્તૃત વર્ણન કર્યું છે. બાહ્યતપમાં શરીરની પ્રધાનતા છે. તેમ છતાં ભાવપૂર્વકનું બાહ્ય તપ સફળ થાય છે. આત્યંતર તપમાં આત્મભાવોની મુખ્યતા છે તેમ છતાં તેમાં પણ શરીરની સહાયતા જરૂરી છે. આ રીતે મનુષ્યનું શરીર અને આત્મભાવોના સુમેળપૂર્વક જ તપ-સંયમની આરાધના થાય છે. બાહ્ય તપ અને આત્યંતરતા તે સંજ્ઞા ક્રમશઃ શરીર અને આત્મભાવોની પ્રધાનતાની અપેક્ષાએ છે. બાર પ્રકારના તપથી પૂર્વસંચિત કર્મોનો ક્ષય, આત્મવિશુદ્ધિ, મન-વચન-કાયાની પ્રવૃત્તિનો નિરોધ, અક્રિયતા અને મુક્તિ પ્રાપ્ત થાય છે. બારે ય પ્રકારના તપોના વિવિધ ભેદ-પ્રભેદ રૂપ વિસ્તાર શ્રી ભગવતી સૂત્ર શતક-૨૫/sમાં અને ઔપપાતિક સૂત્રમાં છે. જે આ અધ્યયનથી કંઈક વિશેષ છે. તેનું સૂચન અહીં વિવેચનમાં અને કોષ્ટકમાં કર્યું છે.