________________
[ ૯૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨)
પહોર નિદ્રા માટે છે. સાધક જીવનમાં પ્રાધાન્ય તો સ્વાધ્યાય અને ધ્યાનને જ હોય છે. સાધકને માટે દિવસના પ્રથમ પહોરમાં સૂર્યોદય થતાં પ્રતિલેખના કરીને સ્વાધ્યાય, બીજા પહોરમાં ધ્યાન, ત્રીજા પહોરમાં ભિક્ષાવૃત્તિ અને ચોથા પહોરમાં પાત્ર પ્રતિલેખન સહિત ઉપકરણ પ્રતિલેખન, પછી સ્વાધ્યાય અને દિવસના છેલ્લે મકાનનું અને ઈંડિલ ભૂમિનું પ્રતિલેખન કરવાનું વિધાન છે. તે જ રીતે રાત્રે પ્રથમ પ્રહરમાં એટલે સૂર્યાસ્ત થતાં પ્રતિક્રમણ કરીને સ્વાધ્યાય, બીજા પ્રહરમાં ધ્યાન, ત્રીજા પ્રહરમાં વિશ્રામ- નિદ્રા અને ચોથા પ્રહરમાં પુનઃ સ્વાધ્યાય તથા રાત્રિના અંતે પ્રતિક્રમણ કરવાનું વિધાન છે. સંયમ જીવનની સફળ સાધના માટેની સૂત્રોક્ત દિનચર્યા અને સમાચારી શારીરિક સ્વસ્થતા, માનસિક શાંતિ અને સામુહિક સંધીય વ્યવસ્થા માટે અત્યંત લાભદાયક છે. શ્રમણની સૂત્રોક્ત દિનચર્યા માટે આવશ્યક પોરસી આદિના કાલમાનને જાણવાની રીત, પ્રતિલેખન વિધિ, આહાર ગ્રહણ-અંગ્રહણના છ-છ કારણોનું પ્રસંગોપાત યથાસ્થાને નિરૂપણ છે. આ રીતે સાધુ જીવનના સમગ્ર વ્યવહાર અને દિનચર્યાનું દર્શન કરાવતું આ અધ્યયન, જાગૃત સાધકનું એક દિવ્ય સાધનાચિત્ર છે. જે આજે પણ જન-મનને રચનાત્મક પ્રેરણા આપે છે.