________________
૬૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ચોવીસમું અધ્યયન પરિચય : ૨ ૨ ૨ ડી છે. જે એક
છે
બી એક
આ અધ્યયનમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચન માતાનું વિસ્તૃત વર્ણન હોવાથી તેનું નામ “પ્રવચન માતા છે. સમવાયાંગ સૂત્રમાં તેનું સામો (સમિતિઓ)નામ છે. આ અધ્યયનની ત્રીજી ગાથામાં પણ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓને આઠ સમિતિઓ કહીને તેને પ્રવચન માતા કહી છે. આ રીતે સમવાયાંગ સૂત્રોક્ત “સમિતિ અને પ્રસ્તુતમાં કથિત “પ્રવચન માતા’ આ બંને નામો સુમેળયુક્ત છે. સંયમ અને તપ તે મોક્ષમાર્ગનું ક્રિયાત્મક સાધન છે. સંયમ અને તપની આરાધના માટે સમિતિ અને ગુપ્તિની અનિવાર્યતા છે. સાધકોનો સમગ્ર જીવન વ્યવહાર સમિતિ અને ગુપ્તિના આધારે જ થાય છે. તેથી સાધના ક્ષેત્રમાં પ્રવેશ કરનાર પ્રત્યેક સાધકોને જઘન્ય અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન હોવું જરૂરી છે. સમિતિ એટલે સમ્યક પ્રવૃત્તિ, ગુપ્તિ એટલે અશુભથી નિવૃત્તિ. સમિતિના પાંચ પ્રકાર છે યથાઈર્યા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપ અને ઉત્સર્ગ સમિતિ. ગુપ્તિના ત્રણ પ્રકાર છે, યથા-મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. આ આઠને “અષ્ટપ્રવચન માતા' કહે છે. સાધકોનું લક્ષ્ય યૌગિક પ્રવૃત્તિનો સર્વથા ત્યાગ કરીને, ઉપયોગનું અનુસંધાન કરી ક્રમશઃ આત્મ સ્વરૂપમાં સ્થિર થવાનું હોય છે. આ લક્ષ્યની સિદ્ધિ ત્રણ ગુપ્તિથી થાય છે પરંતુ શરીરી જીવો હંમેશાં મન વચન અને કાયાની પ્રવૃત્તિથી સર્વથા મુક્ત થઈ શકતા નથી. તેથી જ્યારે-જ્યારે મન, વચન કે કાયાની પ્રવૃત્તિ અનિવાર્ય બની જાય ત્યારે સમિતિપૂર્વક કરવાની હોય છે. તે પ્રવૃત્તિ પૂર્ણ થતાં પુનઃ ગુપ્તિની આરાધના કરવાની હોય છે. આ રીતે સમિતિ અને ગુપ્તિનો સુયોગ્ય સમન્વય કરવાથી જ ચારિત્રની પરિપક્વતા અને સફળતા પ્રાપ્ત થાય છે. આ રીતે આ અધ્યયનમાં સાધ્વાચાર સંબંધી મહત્ત્વનો વિષય નિરૂપિત હોવાથી સાધુઓને માટે તે અત્યંત ઉપયોગી છે.