________________
૩૭૨ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
ઉત્તર આપ્યો કે - "મેં પૂર્વ જન્મમાં પરતંત્ર અને લાચાર સ્થિતિમાં નરકની ભયંકર વેદનાઓ સહન કરી છે." કયાં આ સ્વેચ્છાએ સ્વીકારેલા સંયમનાં કષ્ટો? અને કયાં તે પરાધીનતાએ ભોગવવાં પડતાં દારુણ દુઃખો? (ગાથા ૪૪ થી ૭૪).
માતાપિતા અને પુત્રનો સંવાદ ખૂબ રસપ્રદ છે. માતાપિતા પુત્રને સંયમથી વિરક્ત કરવા ઈચ્છતા હતા અને પુત્ર સંસારથી વિરક્ત થવા માંગતો હતો. નરકની યાતના સાંભળીને માતાપિતા આંશિક રૂપે તૈયાર થયાં છતાં પુત્ર પ્રત્યેના મમત્વને કારણે તે કહેવા લાગ્યા કે હે પુત્ર! સાધુ જીવન એકાકી જીવન છે. ત્યાં કોણ તારું ધ્યાન રાખશે ? બીમારી આવે ત્યારે કોણ સારવાર કરશે? મૃગાપુત્ર કહે છે, જંગલમાં મૃગલાઓ રહે છે, તેઓ બીમાર પડે, ત્યારે તેમની સંભાળ કોણ લે છે? જેમ વનમાં પશુપક્ષી કાંઈ પણ વ્યવસ્થા વિના સ્વતંત્ર જીવન ગુજારે છે, તેમ હું પણ રહીશ, મારી જીવનયાત્રા મૃગચર્યા જેવી રહેશે. (ગાથા ૭૫ થી ૮૫).
મૃગાપુત્રનો દઢ સંકલ્પ તથા તેના અનુભવો અને પૂર્વજન્મના સ્મરણથી થયેલી સંયમની તાલાવેલીએ માતાપિતાને સમજાવી લીધા અને અંતે માતાપિતાએ દીક્ષાની આજ્ઞા આપી.
ત્યાર પછી શાસ્ત્રકારે મૃગાપુત્રની સાધુચર્યા, સમતા તેમજ સાધુતાના ગુણોના વિષયમાં ઉલ્લેખ કર્યો છે. અંતે મૃગાપુત્રની જેમ દરેક સાધુસાધ્વીને શ્રમણધર્મના પાલનનો સંકેત કર્યો છે અને તેના દ્વારા આચરિત શ્રમણધર્મનું સર્વોત્કૃષ્ટ ફળ પણ દર્શાવ્યું છે. (ગાથા ૮૬ થી ૯૮)
મૃગાપુત્ર સંસારને ત્યાગી, તપશ્ચર્યાના માર્ગને સ્વીકારી, આ જ જન્મમાં પરમ પુરુષાર્થ દ્વારા મૃગચારિકાની પરમ સાધના કરી, શ્રમણધર્મમાં જાગૃત રહી, કર્મ કંચુકને ભેદીને, અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા.
ooo