________________
અધ્યયન-૧૮: સંજયીય
[ ૩૩૫ ]
અંતમાં ક્ષત્રિય રાજર્ષિએ સંજયમુનિએ કહ્યું કે ધીર અને વિવેકી પુરુષ કયારે ય કુતર્કોમાં કે મિથ્યાવાદોમાં ફસાતા નથી. તેઓ શ્રેષ્ઠ ધર્મને જ સ્વીકારે છે અને આત્મકલ્યાણની ઉત્કૃષ્ટ સાધનાથી સંપૂર્ણ કર્મનો ક્ષય કરી શાશ્વત સિદ્ધ થાય છે.
આ રીતે, આ અધ્યયન વિશેષતઃ ગર્દભાવિ આચાર્ય અને ક્ષત્રિય રાજર્ષિ દ્વારા ક્રમશઃ સંજયરાજાને અને સંજયમુનિને આપેલાં જ્ઞાનોપદેશથી પરિપૂર્ણ છે.
(આ અધ્યયનની ગાથાઓમાં સ્પષ્ટતા ન હોવાને કારણે સંજયમુનિ અને ક્ષત્રિય રાજર્ષિ, એ બંનેમાંથી કોણ કોને શું પૂછે, કોણ જવાબ આપે અને કઈ ગાથા કોનાથી સંબંધિત છે; આ બધું સમજવામાં થોડી મુશ્કેલી થાય છે. તેથી આ વિષયમાં જુદી જુદી કલ્પનાઓ થઈ છે. પરંતુ આ સૂત્રના પ્રાચીન વ્યાખ્યાકર્તા શાંત્યાચાર્યો જે જણાવ્યું છે તેના આધારે સ્પષ્ટ થાય છે કે ગાથા ૨૩ થી બધું જ વર્ણન ક્ષત્રિય રાજર્ષિ દ્વારા સંજયમુનિના જ્ઞાનવિકાસ માટે આત્મીયભાવથી કરવામાં આવ્યું છે.)
ooo