________________
૩૭૪
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
અઢારમું અધ્યયન |
પરિચય :
પ્રસ્તુત અધ્યયનનું નામ (૧) સંજયીય કે (૨) સંયતીય છે. આ અધ્યયનના પ્રમુખ પાત્ર રાજા સંજય છે; તેના નામ ઉપરથી આ અધ્યયનનું નામ સંજયય' છે.
પ્રસ્તુત અધ્યયનના પૂર્વાર્ધમાં ૧૮ ગાથાઓ સુધી સંજય રાજાની કથા અંક્તિ છે. કાંડિલ્યનગરના રાજા સંજય પોતાની ચતુરંગી સેના સહિત શિકાર માટે વનમાં નીકળ્યા. સેનાએ જંગલમાં રહેલાં હરણોનાં ટોળાને કેસર ઉદ્યાન તરફ ધકેલ્યાં અને ઘોડા ઉપર આરૂઢ રાજાએ તીરથી હરણોને વીંધવાં શરૂ કર્યો, કેટલાંક હરણો ઘાયલ થઈ પડી ગયા, તો કેટલાંક મૃત્યુ પામ્યા.
ભાગતા હરણોનો પીછો કરતાં કરતાં રાજા એ વૃક્ષના એક લતામંડપમાં પદ્માસને ધ્યાનસ્થ અવસ્થામાં બિરાજિત એક યોગીશ્વર મુનિને જોયા. જોતાં જ તે ચમક્યા. તુરંત જ અશ્વ પરથી નીચે ઊતરીને વિચાર્યું કે આ હરણો આ મુનિના હોવા જોઈએ, મેં આ મુનિનાં હરણોને માર્યા, તે અનર્થકારી કાર્ય થયું. મુનિ ક્રોધ કરે, તો લાખો કરોડો માનવોને એક ક્ષણમાં બાળીને ભસ્મ કરી શકે છે. મુનીશ્વર પાસે આવી તેણે વિનયપૂર્વક નમસ્કાર કરી પોતાના અપરાધની ક્ષમા માંગી. મુનિ ગર્દભાલિ ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યારે તુરંત જ સંજય રાજાએ પોતાનું નામ જણાવ્યું. મુનિએ કહ્યું – રાજનું! મારા તરફથી તો તમને અભય છે, પરંતુ તમો પણ બીજાં પ્રાણીઓનાં અભયદાતા બનો. જેના માટે તમે આ અનર્થ કરી રહ્યા છો, તે સ્વજન કે પરિજન કોઈ તમને દુઃખથી બચાવવા આવશે નહીં. તેઓ શરણરૂપ પણ બની શકશે નહીં. ત્યાર પછી શરીર, યૌવન, ધન, પરિવાર તેમજ સંસારની અનિત્યતાનો ઉપદેશ ગર્દભાલી મુનિએ આપ્યો, રાજાનો આત્મા મુનિના ઉપદેશથી તુરંત જાગૃત બની ગયો. તે સંન્યાસ લઈ સંજયમુનિ બની ગયા તથા સાધનામાં તલ્લીન થઈ ગયા.
એકવાર વિચરણ કરતાં સંજયમુનિને ક્ષત્રિય રાજર્ષિના દર્શન થયા. તે ક્ષત્રિય રાજર્ષિએ નામ પરિચય વગેરે પૂછયા પછી તેના ગુણો અને વ્યક્તિત્વથી આકૃષ્ટ થતાં સંજયમુનિને તેના જ્ઞાનની વૃદ્ધિ માટે આત્મીયભાવથી કહેવા લાગ્યા. ગાથા ૨૩ થી ૩૩ સુધીમાં એકાંતવાદની તત્ત્વચર્ચા સાથે પોતાનો કંઈક પરિચય આપ્યો છે અને ગાથા ૩૦ તથા ૩૩ માં સંજયમુનિને સંબોધન સાથે ધર્માચરણની પ્રેરણા આપી છે. ગાથા ૩૪ થી ૫૧ માં જિનશાસનની વિશેષતારૂપ જ્ઞાન અને ક્રિયાના સમન્વયાત્મક સિદ્ધાંતને અનુલક્ષીને જેઓએ આત્મકલ્યાણ કર્યું છે, તે ભરત આદિ ચક્રવર્તીઓ તથા દશાર્ણભદ્ર, નમિ, કરકંડું, નગ્નતિ, ઉદાયન, કાશીરાજ, વિજય, મહાબળ આદિ ૧૯ મહાન આત્માઓનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. આ ગાથાઓ જૈન ઇતિહાસની પુરાતન કથાઓની વિશેષતઃ ઝાંખી કરાવે છે.