________________
પથ્થરોનું પરીક્ષણ કરી, શિલ્પયોગ્ય પથ્થરને પસંદ કરવા જેવું કાર્ય લેખન કાર્ય છે, તો સંપાદકનું કાર્ય શિલ્પી જેવું છે. શિલ્પી હંમેશાં આકાર માટે વધારાના ભાગને કાઢી પ્રતિમા ઘડે કરે છે. પ્રસ્તુત સૂત્રના અનુવાદિકા છે ડૉ. સાધ્વી શ્રી અમિતાજી અને શિલ્પી સમા સંપાદક છે આગમ મનીષી સતત સ્વાધ્યાયી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મહારાજ સાહેબ. તેઓશ્રીના પ્રયત્નોની ખૂબ ખૂબ પ્રશંસા કરી, વધાવી અભિનંદનવંદન પાઠવું છું અને અમારી પ્રશિષ્યા ડૉ. અમિતાજીને અભિનંદન સહ આશીર્વાદ આપું છું કે આવા અનેક શુભ કાર્ય કરી આત્માના અખંડ અમીરસને ઘોળી ઘોળી પીઓ, વિનયાદિ ભાવોને હૃદયંગમ કરી સ્વરૂપમાં લીન બનો.
આગમ કાર્યને વેગવંતુ બનાવવા પ્રાણ ગુરુ જન્મ શતાબ્દી પ્રકાશન સમિતિએ જે પુરૂષાર્થ કર્યો છે તે ઉષ્માભર્યા ઉત્સાહને બિરદાવું છું, અભિનંદું છું.
શ્રુતાધાર બની અર્થ સહયોગીના દાનને તથા શ્રુત સેવાને પણ અભિનંદું છું. નામી, અનામી સર્વ સહયોગીઓનો આભાર માનું છું.
આગમ અવગાહનમાં ઉપયોગ સ્થિર રાખવા સતત પ્રયત્નશીલ છું, છતાં અવગાહન કરવામાં તૂટી રહી જવા પામી હોય તો વીતરાગ સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ્. ભૂલચૂક સુધારી વાચવા વિજ્ઞપ્તિ કરું છું.
પ્રસ્તુત સૂત્રના બે વિભાગ કરવામાં આવ્યા છે તેમાંથી પ્રથમ વિભાગ એક અધ્યયનથી લઈને વીસ અધ્યયન સુધીનો બહાર પડી રહ્યો છે. તેને જિજ્ઞાસુ આદર સહિત અપનાવશે તેવી આશા સાથે વિરામ પામું છું અને પુનઃ પુનઃ ....
બોધિબીજ દીક્ષા-શિક્ષા દોરે બાંધી, "મુક્ત-લીલમ તણા તારક થયા, એવા ગુરુણી " ઉજમ–ફુલ-અંબામાત" ને વંદન કરું ભાવભર્યા; વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માંગું પુનઃ ક્ષમાપના, મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું વિજ્ઞાપના.
-આર્યા મુક્ત -લીલમ.