________________
| અધ્યયન-૮: કપિલીય
ભાવાર્થ :- વિશુદ્ધ પ્રજ્ઞાવાન અર્થાત્ કેવળી કપિલ મુનિવરે આ વિશિષ્ટ ધર્મનું અર્થાત્ સ્ત્રીસંગ ત્યાગ અને લોભ સંજ્ઞા ત્યાગનું પ્રતિપાદન કર્યું છે. તેની સમ્યગુ આરાધના કરનાર સાગરને તરી જાય છે અને તેવા પુરુષો માટે બને લોક આરાધિત થાય છે અર્થાત્ તે પુરુષોનો આ જન્મ સુસંયમથી સુવાસિત અને સફળ થઈ જાય છે તથા પરભવમાં શાંતિદાયક સુગતિ પ્રાપ્ત થાય છે.
– એમ ભગવાનને કહ્યું છે.
ઉપસંહાર :
શાસ્ત્રકારે આ અધ્યયનની પ્રથમ ગાથામાં જે જિજ્ઞાસાનું નિરૂપણ કર્યું છે, ત્યારપછી સંપૂર્ણ અધ્યયનમાં તેના જ સમાધાન માટેના દુર્ગતિ નિવારક અને સુગતિદાયક ઘણાં તત્ત્વોનું, સંયમી જીવનના પોષક તત્ત્વોનું અને આત્મવિકાસના ગુણોનું પ્રતિપાદન કર્યું છે. દરેક આત્માર્થી મુનિએ આ અધ્યયનનું ચિંતન મનન કરી પોતાના જીવનને સંયમની શુદ્ધ આરાધનામાં સુરક્ષિત કરી લેવું જોઈએ. સંક્ષિપ્તમાં સ્કૂલ કે સૂક્ષ્મ હિંસાથી બચવું, તેના માટે ભિક્ષાની શુદ્ધ વિધિનું પાલન કરવું, રસાસ્વાદવૃત્તિ ન રાખવી, લોકેષણા માટેની પ્રવૃત્તિઓ, નિમિત્ત ભાષણ વગેરે ન કરવાં, લોભસંજ્ઞાને નિર્મલ કરવી, સ્ત્રીસંગની વૃત્તિને પણ નિર્મલ કરી દેવી અર્થાતુ સ્ત્રીઓ પ્રત્યેના આકર્ષણભાવ, તેની વાતો સાંભળવામાં રસ લેવો અથવા તેની સાથે વાતો કરવામાં આનંદ માણવો, વગેરે પ્રવૃત્તિનો ત્યાગ કરવો. બ્રહ્મચર્ય માટે સ્ત્રીસંગ બહુ દોષવાળો છે, એમ સમજી સદાય સાવધાન રહેવું. એ જ આ અધ્યયનનો સંદેશ છે.
II અધ્યયન-૮ સંપૂર્ણ ]