________________
૧૨૪
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
આમ જે જીવો મનોજ્ઞ વિષયસુખોમાં આસક્ત બની હિંસા, અસત્ય, ચોરી, લૂંટફાટ, દગો, સ્ત્રી તથા અન્ય વિષયોમાં વૃદ્ધિ, મહારંભ, મહાપરિગ્રહ, સુરા – માંસ સેવન કે પરસ્ત્રીગમન કરે છે, પોતાના શરીરને હૃષ્ટપુષ્ટ બનાવવામાં મસ્ત રહે છે, તેની દશા તે બકરા જેવી થાય છે. કામભોગાસક્તિ અંતિમ સમયમાં પશ્ચાત્તાપકારિણી અને ઘોર કર્મબંધના કારણે નરક જેવી દુર્ગતિમાં લઇ જનારી હોય છે.
૨. કાકિણીનું દૃષ્ટાંત :– એક ભિખારીએ માંગી માંગીને ખૂબ જ મુશ્કેલીથી એક હજાર કાર્પાપણ (૨૦ કાકિણીનો એક કાર્પાપણ થાય) ભેગા કર્યા. તે પોતાને ગામ જઈ રહ્યો હતો. રસ્તામાં ખાવા પીવા માટે તેણે એક કાર્પાપણ—સુવર્ણમુદ્રાની કાકિણીઓ કરાવી સાથે રાખી લીધી. તેમાંથી તે ખર્ચ કરતો જતો હતો. જ્યારે તેની પાસે તેમાંથી એક કાકિણી શેષ રહી, ત્યારે આગળ ચાલતા એક સ્થાને તે કાકિણી ભૂલી ગયો. થોડે દૂર જતાં, રસ્તામાં યાદ આવ્યું, ભૂલી ગયેલી કાકિણી લેવા તે પાછો ફર્યો. તે વખતે સુવર્ણમુદ્રાની થેલીને કયાંક છુપાવીને ગયો. ત્યાં તેને કાકિણી મળી નહીં, તેથી નિરાશ થયો. નિરાશ થઈને પાછો ફર્યો, ત્યાં સુધીમાં સોનામહોરોની થેલી પણ કોઈ વ્યક્તિ લઈને ભાગી ગયો. આમ તે લૂંટાઈ ગયો. તેથી તેને ખૂબ પશ્ચાત્તાપ થયો. આમ જે અલ્પસુખ માટે દિવ્ય સુખોને છોડી દે છે, તે ભિખારીની જેમ અંતે બહુ દુઃખી થાય છે.
૩. રાજાનું દૃષ્ટાંત :– એક વૈધરાજે રોગના કારણે રાજાને કેરી ખાવાની મનાઈ કરી હતી. એક દિવસ રાજા મંત્રી સાથે જંગલમાં ગયો. ત્યાં તે આંબા ઉપર પાકેલી મીઠી કેરીઓ જોઈ લલચાઈ ગયો. રાજાએ
વૈધરાજની । સૂચના ભૂલીને મંત્રીના રોકવા છતાં સ્વાદ લોલુપતાવશ કેરી ખાધી. રાજાને માટે કેરી અપથ્ય હતી, તેથી ત્યાં જ તેનું મૃત્યુ થયું. આવા ક્ષણિક સ્વાદ–સુખને માટે રાજાએ પોતાનું અમૂલ્ય જીવન નષ્ટ
કર્યું.
આ રીતે જે માનવ અલ્પ સુખો માટે માનવીય કામભોગોમાં આસક્ત બની જાય છે, તે કાકિણી માટે હજાર સોનામહોરો ગુમાવી દેનાર ભિખારીની જેમ અને આમ્રના સ્વાદ માટે જીવન અને રાજ્યને ગુમાવી દેનાર રાજાની જેમ દીર્ઘકાલીન દિવ્ય સુખને ગુમાવે છે.
૪. ત્રણ વણિક પુત્રોનું રૂપક :– ત્રણ વણિક પુત્રો વ્યાપાર કરવા ગયા. એક પુત્ર ધંધામાં ખૂબ લક્ષ્મી કમાઈને આવ્યો, બીજો જેમ ગયો હતો મૂળ મૂડી સલામત લઈને પાછો આવ્યો અને ત્રીજો જે મૂડી લઈને ગયો હતો તેને ખોઈને આવ્યો.
એવી જ રીતે મનુષ્યભવને પ્રાપ્ત કરવો, તે મૂળ મુડીની સુરક્ષા છે, દેવગતિને પામવી, તે વિશેષ લાભ છે તથા નરક – તિર્યંચગતિને પ્રાપ્ત કરવી, તે મૂળ મુડીને ગુમાવી દેવા સમાન છે.
અંતિમ ગાથાઓમાં કામભોગોથી અનિવૃત્તિ અને નિવૃત્તિનું પરિણામ તથા બાળ (અજ્ઞાની) ભાવોને છોડી પંડિતભાવોને અપનાવવાનો નિર્દેશ છે.
૦૦૦