________________
અધ્યયન-૭: ઉરભીય
૧૨૩ |
સાતમું અધ્યયન
પરિચય :
આ અધ્યયનના પ્રારંભમાં દર્શાવેલા ઉરભ્ર–એલક (બોકડા)ના દષ્ટાંતના આધારે પ્રસ્તુત અધ્યયનનું નામ ઉરબ્રીય છે. સમવાયાંગ સૂત્રમાં આ અધ્યયનનું નામ 'એલકીય' કહ્યું છે. મૂળપાઠમાં "એલય' શબ્દનો પ્રયોગ થયો છે, આથી 'ઉરભ્ર' અને 'એલકીય' બંને પર્યાયવાચી શબ્દ પ્રતીત થાય છે.
શ્રમણ સંસ્કૃતિનો મૂળાધાર કામભોગો તરફની અનાસક્તિ છે. જે વ્યક્તિ કામભોગો કે પાંચ ઈન્દ્રિયના વિષયોમાં આસક્ત બને છે, તે વિષયવાસનાનાં ક્ષણિક સુખો પાછળ તેનાં પરિણામમાં છુપાયેલાં મહા દુઃખોનો વિચાર કરતી નથી, માત્ર વર્તમાનદર્શી બનીને મનુષ્યજન્મરૂપી મૂળ ધનને ગુમાવે છે અને સાથોસાથ માનવ જન્મના પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થનાર લાભોને પણ ગુમાવે છે. હિંસાદિ પાપકર્મોમાં તલ્લીન જીવો નરક અને તિર્યંચ ગતિના મહેમાન બની જાય છે. જે દીર્ઘદષ્ટા છે તે ક્ષણિક વિષય સુખોમાં આસક્ત થતાં નથી. તે અણુવ્રત કે મહાવ્રતોનું પાલન કરે છે; સંયમ, નિયમ, તપ આદિમાં પ્રયત્નશીલ થાય છે, પરીષહાદિને સહન કરે છે, તે દેવગતિને મેળવે છે. તેઓ મનુષ્યભવને સાર્થક કરવો, એ જ કર્તવ્ય માને છે. આવાં ગહન તત્ત્વોને સમજાવવા માટે આ અધ્યયનમાં ચાર દષ્ટાંતો આપ્યાં છે. ૧. બકરાનું દષ્ટાંત – એક ધનવાન પોતાના એક બકરાના બચ્ચાને સારો તાજો, લીલો ચારો ખવરાવતો હતો. બકરો હુષ્ટપુષ્ટ થતો જતો હતો. આ ધનવાન પાસે એક ગાય અને વાછરડું હતાં. ગાય વાછરડાને તે સૂકું ઘાસ આપતો હતો. વાછરડો આ બધું જોયા કરતો હતો. તેણે પોતાની માતા પાસે આ વાતની ફરિયાદ કરી - મા! આ શેઠ, બકરાના બચ્ચાને કેવો સારો ચારો ખાવા આપે છે. તને તો સૂકું ઘાસ જ આપે છે, એમ કેમ છે? વળી મને પણ સારી રીતે રાખતો નથી, મને તો જ્યાં ત્યાંથી કચરાવાળું સૂકું ઘાસ નાંખી જાય છે. ગાય વાછરડાને સમજાવ્યો- બેટા ! માલિક આ બકરાને સારો ખોરાક આપે છે, કારણ કે બકરાનું મૃત્યુ બહુ નજીકમાં છે. થોડા દિવસમાં શું થશે, તે તું જોજે. આપણે સૂકું ઘાસ ખાઈએ છીએ તેથી દીર્ઘજીવી છીએ. થોડા દિવસ પછી વાછરડાએ ભયાનક દશ્ય જોયું, ભયથી કાંપી ઊઠયો. મા પાસે આવીને કહેવા લાગ્યો - મા! આજે તો શેઠે મહેમાનના સ્વાગત માટે બકરાને કાપી નાખ્યો, શું મને પણ એમ કાપી નાંખશે? માએ ઉત્તર આપ્યો - નહીં બેટા! જે સ્વાદમાં લુબ્ધ બને છે, તેને આવું ફળ ભોગવવું પડે છે. જે સૂકું ઘાસ ખાય છે, જે સૂકા ઘાસ પર જીવે, છે તેને આવું દુઃખ ભોગવવું પડતું નથી.