________________
૧૨૮
શ્રી નિરયાવલિકા સૂત્ર
| વર્ગ-૩ અધ્ય. ૫ થી ૧૦
પરિચય :
અધ્યયન પાંચમું :
આ અધ્યયનમાં પૂર્ણભદ્ર દેવના પૂર્વ પશ્ચાદ્ ભવનું નિરૂપણ છે.
એકદા ભગવાન મહાવીરના સમવસરણમાં પૂર્ણભદ્ર દેવ દર્શનાર્થે આવ્યા, તે પોતાની ઋદ્ધિ, નાટકનું પ્રદર્શન કરી પાછા ચાલ્યા ગયા. ગૌતમ સ્વામીના પૂછવાથી પ્રભુએ તેનો પૂર્વભવ કહ્યો. પૂર્વભવઃ પૂર્ણભદ્ર શેઠ - આ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં મણિપદિકા નામની નગરી હતી. ત્યાં પૂર્ણ– ભદ્ર નામના શેઠ રહેતા હતા. તેણે બહુશ્રુત સ્થવિર ભગવંતો પાસેથી ધર્મોપદેશ સાંભળી સંયમ અંગીકાર કર્યો, અગિયાર અંગો કંઠસ્થ કર્યા, ઉપવાસથી માસખમણ સુધીની અનેક તપશ્ચર્યાઓ દ્વારા કર્મની નિર્જરા કરતાં અનેક વર્ષોની સંયમ પર્યાયનું પાલન કર્યું.
અંતે એક માસના અનશનની આરાધના કરી સૌધર્મ દેવલોકમાં તેઓ પૂર્ણભદ્ર દેવ તરીકે ઉત્પન્ન થયા. તે દેવ દેવલોકનું બે સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ, સંયમ અંગીકાર કરી, સર્વ કર્મનો ક્ષય કરી મુક્ત થશે.
છ થી દસ અધ્યયન :
અંતિમ પાંચ અધ્યયનમાં ક્રમશઃ મણિભદ્ર શેઠ, દત્ત, શિવ, બલ અને અનાદત શેઠનું જીવન વૃત્તાંત પૂર્ણભદ્રની સમાન હોવાથી સંક્ષિપ્ત રૂપે છે. દેવ અને પૂર્વભવના નામ એક જ છે. તે સર્વે તપ સંયમનું પાલન કરીને દેવલોકમાં ઉત્પન્ન થયા છે. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી સિદ્ધ થશે.
આ વર્ગમાં ૪ જીવ સંયમના વિરાધક થયા છે. શેષ છે જીવ આરાધક થઈ વૈમાનિક દેવગતિમાં ગયા છે. દસમાંથી નવ જીવ એકાવતારી છે અર્થાત્ એક ભવ મનુષ્યનો કરી મોક્ષ પ્રાપ્ત કરશે. બહુપુત્રિકા દેવી ત્રણ ભવ કરી મોક્ષે જશે.