________________
પુષ્પિકા વર્ગ-૩ : અઘ્ય.-૪
ભાવાર્થ :- હે ભગવન્ ! તે સોમદેવ આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થયા પછી દેવલોકમાંથી ચ્યવીને ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ ! મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. અધ્યયન ઉપસંહાર :
४० तं एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुष्फियाणं चउत्थस्स अज्झयणस्स अयमट्ठे पण्णत्ते । -ત્તિ નેમિ ।
૧૨૭
ભાવાર્થ :- હે આયુષ્યમાન્ જંબૂ ! આ પ્રમાણે મુક્તિ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિકાના ચોથા અધ્યયનનો આ ભાવ દર્શાવ્યો છે.
વિવેચન :
પ્રસ્તુત અધ્યયનમાં બહુપુત્રિકા દેવીના પૂર્વ અને પશ્ચાત્ ભવનું નિરૂપણ છે. તે પાંચ ભવોનો પરિચય અધ્યયનના સારમાં આપેલ છે.
ઉપસંહાર ઃ– સંસારી જીવો અપ્રાપ્ત વસ્તુઓની અને સંયોગોની ઈચ્છા કરીને દુઃખી થાય છે. વસ્તુની પ્રાપ્તિ પુણ્યને આધીન છે અને સુખની પ્રાપ્તિ વ્યક્તિની સમજણને આધીન છે. પરંતુ વ્યક્તિ આ વાસ્ત– વિકતાને સમજી કે સ્વીકારી શકતા નથી અને દુઃખી થાય છે. કોઈને સંપત્તિના અભાવનું દુઃખ; કોઈને અઢળક સંપત્તિની વચ્ચે પણ અશાંતિનું દુઃખ; કોઈને સંતાનના અભાવનું દુઃખ; કોઈને પ્રતિકૂળ સંતાનનું દુઃખ હોય છે. આ રીતે સમજણના અભાવે વસ્તુની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ બંને દુઃખજનક બને છે.
જે શ્રદ્ધાળુ લોકો સાધુ–સાધ્વીજીઓ પાસેથી પોતાની સાંસારિક ગૂંચવણોને દૂર કરવાની અપેક્ષાઓ રાખે છે અને તે માટે યંત્ર-મંત્ર, ઔષધ–ભેષજની આશા રાખે છે; તેઓએ ઉપરોક્ત અધ્યયનમાંથી શિક્ષા ગ્રહણ કરવી જોઈએ કે આ પ્રકારની પ્રવૃત્તિઓ સાધુના આચારથી વિપરીત છે. વીતરાગ ભગવાનના સાધુ–સાધ્વીજીઓ કેવળ આત્મકલ્યાણના માર્ગનો તથા તપ ત્યાગનો જ ઉપદેશ આપી શકે છે. તેઓ અન્ય લૌકિક પ્રવૃત્તિમાં રસ લઈ શકતા નથી.
તેથી જ્ઞાની પુરુષો કહે છે કે સહજ પ્રાપ્ત થયેલા સંયોગોમાં સંતોષ રાખી, પ્રસન્ન રહેવાથી જ મનુષ્યને સુખ–શાંતિ અને આત્માનંદની પ્રાપ્તિ થાય છે. અંતે તો ધર્મ અને ત્યાગ એ જ સંસારના પ્રપંચથી મુક્ત કરી શકે છે. એમ જાણી પ્રત્યેક સુપ્તેચ્છુએ ત્યાગ અને સંયમરૂપ ધર્મના માર્ગે અગ્રેસર થવાનો સંકલ્પ કરવો જોઈએ; ઈચ્છાઓ ઉપર કાબૂ મેળવી આત્મકલ્યાણના શ્રેષ્ઠ માર્ગનો સ્વીકાર કરવો જોઈએ; એ જ આગમ જ્ઞાન અને શ્રદ્ધાનો સાર છે.
|| વર્ગ-૩ અધ્ય.-૪ સંપૂર્ણ ||