________________
[ ૧૦૨ ]
શ્રી નિરયાવલિકા સૂત્ર
સ્થિતિ છે.
તે પૂર્વભવની સંતાન પ્રાપ્તિની અતૃપ્ત કામનાને વિવિધ પ્રકારની વિક્રિયા દ્વારા પૂર્ણ કરે છે, અનેક બાલક–બાલિકાના રૂપોની વિકુવર્ણા કરતી, દેવસભામાં આમોદ-પ્રમોદ કરતી બહુપુત્રિકા નામને સાર્થક કરે છે. વાસ્તવમાં દેવોને સંતાનોત્પત્તિ હોતી નથી.
(૩) આગામી ભવ: સોમા - બહુપુત્રિકા દેવી દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી, બ્રાહ્મણના ઘરે સોમા નામની પુત્રી તરીકે જન્મ ધારણ કરશે. યુવાવસ્થામાં પ્રવેશતાં માતા-પિતા પોતાના ભાણેજ રાષ્ટ્રકૂટ સાથે તેના લગ્ન કરશે. પૂર્વભવમાં સંતાન પ્રાપ્તિની તીવ્ર તમન્ના સાથે સંયમ તપનું પાલન કરવાના કારણે લગ્ન થયાં પછી પ્રતિવર્ષ સોમા બે-બે બાળકોને તેમ સોળ વર્ષમાં કુલ બત્રીસ બાળકોને જન્મ આપશે.
એક સાથે આટલા બાળકોનો ઉછેર કરતાં તે હેરાન થઈ જશે. તેમાંથી કેટલાંક નાચશે, કૂદશે, રડશે, હસશે, એક બીજાનું ભોજન છીનવી લેશે અને કેટલાંક સોમાના શરીર ઉપર વમન કરશે, તો કોઈ મળમૂત્ર કરશે અને તે દુઃખી-દુઃખી થઈ જશે.
ત્યારપછી ગોચરીએ પધારેલા કોઈ સાધ્વીજી પાસે સોમા પોતાના દુઃખનું વર્ણન કરશે અને પ્રત્યુત્તરમાં તે સાધ્વીઓ પાસેથી ધર્મશ્રવણ કરી દીક્ષા અંગીકાર કરવા ઈચ્છશે પરંતુ પતિનો અધિક આગ્રહ થવાથી તે શ્રમણોપાસિકા બનશે. કાલાંતરે સંયમ ગ્રહણ કરી શુદ્ધ આરાધના કરશે. અંતે એક માસનો સંથારો કરી, આલોચનાદિ કરીને સમાધિભાવે કાલધર્મને પ્રાપ્ત કરશે.
(૪) દેવ ભવઃ સોમા :- સોમા સાધ્વી આયુષ્ય પૂર્ણ કરીને પ્રથમ દેવલોકમાં ઈન્દ્રના સામાનિક દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંની બે સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરશે.
(૫) મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય ભવ - દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય રૂપે જન્મ ધારણ કરી, સંયમ–તપની સાધના દ્વારા સર્વ કર્મોનો ક્ષય કરીને સિદ્ધગતિને પ્રાપ્ત કરશે.
આ રીતે બહુપુત્રિકા દેવીની ભવ પરંપરાથી કર્મનો સિદ્ધાંત સ્પષ્ટ થાય છે તેમજ આસક્તિની પરંપરા તૂટે, ત્યાર પછી જ મોક્ષ સુધીનો આત્મવિકાસ થઈ શકે છે, તેમ સમજાય છે.