________________
[ ૨૯૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
જઘન્ય પચીસ યોજન અને ઉત્કૃષ્ટ અસંખ્યાત દ્વીપ-સમુદ્ર જેટલા ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોને જાણે છે, જુએ છે. આ કથન સર્વ ભવનપતિદેવોની અપેક્ષાએ છે. પ્રત્યેક ભવનપતિ દેવને પોતાની સ્થિતિ અનુસાર એક જ પ્રકારનું અવધિજ્ઞાન હોય છે, યથા- ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિવાળા દેવો પચીસ યોજના ક્ષેત્રને, પલ્યોપમની સ્થિતિવાળા દેવો સંખ્યાત દ્વીપ સમુદ્રોને અને સાગરોપમની સ્થિતિવાળા દેવો અસંખ્યાત દ્વીપ-સમુદ્રોને જાણે છે અને જુએ છે. નવનિકાયના દેવોની અને વ્યંતર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમ પ્રમાણ હોવાથી તે દેવો ઉત્કૃષ્ટ સંખ્યાત દીપ-સમુદ્રોને જ જાણી-દેખી શકે છે.
જ્યોતિષી દેવોના અવધિજ્ઞાનનો વિષય :- જ્યોતિષી દેવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને પ્રકારની સ્થિતિ પલ્યોપમની ગણનામાં જ છે, તેથી તેના અવધિજ્ઞાનનો જઘન્ય અને ઉત્કૃષ્ટ વિષય સંખ્યાત દ્વીપ સમુદ્ર પ્રમાણ છે. સંખ્યાતના સંખ્યાતા ભેદ હોવાથી જઘન્ય વિષયથી ઉત્કૃષ્ટ વિષય અધિક હોય છે. વૈમાનિક દેવોના અવધિજ્ઞાનનો વિષય :- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોને જાણે છે અને ઉત્કૃષ્ટ વિષયક્ષેત્ર પ્રત્યેક દેવલોકના દેવોનું ભિન્ન-ભિન્ન છે– વૈમાનિક દેવોની સ્થિતિ જઘન્ય ૧ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ છે. તદનુસાર તે દેવોનું અવધિજ્ઞાન જઘન્ય પલ્યોપમની સ્થિતિવાળા દેવોને સંખ્યાત દ્વીપ-સમુદ્ર પ્રમાણ અને ઉત્કૃષ્ટ સાગરોપમની સ્થિતિવાળા દેવોનું અવધિજ્ઞાન અસંખ્ય દ્વીપ-સમુદ્ર પ્રમાણ, તેમ નિશ્ચિત ક્ષેત્રસીમાવાળું હોય છે. નદાને અસંવેગડ મા – ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષી દેવોના અવધિજ્ઞાનની ક્ષેત્રસીમાના કથનથી વૈમાનિક દેવોની ક્ષેત્ર સીમાના કથનમાં વિશેષતા છે. આ વિશેષતા અવધિજ્ઞાનની ક્ષેત્રસીમાની અપેક્ષાએ નહીં પરંતુ તેની સૂક્ષ્મતાની અપેક્ષાએ છે. જેમ-જેમ અવધિજ્ઞાનનું ક્ષેત્ર વધે છે તેમ-તેમ દ્રવ્યની અપેક્ષાએ તેની સૂક્ષ્મતા વધતી જાય છે. વૈમાનિક દેવોમાં કેટલાક વિશિષ્ટ અવધિજ્ઞાની અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા સૂક્ષ્મ રૂપી પદાર્થોને પણ જાણી-દેખી શકે છે. ભવનપતિ, વ્યંતર કે
જ્યોતિષી દેવો આટલા સુક્ષ્મ પદાર્થોને જાણી-દેખી શકતા નથી. વૈમાનિક દેવોમાં પણ પલ્યોપમની સ્થિતિવાળા દેવોમાં સૂક્ષ્મ પદાર્થોને જાણવાનું સામર્થ્ય નથી પરંતુ સાગરોપમની સ્થિતિવાળા દેવોમાં અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા સૂક્ષ્મ પદાર્થોને જાણવા-જોવાની વિશિષ્ટ ક્ષમતા હોય છે.
વૈમાનિક દેવોના અવધિજ્ઞાનના જઘન્ય વિષયક્ષેત્રના વિષયમાં ભિન્ન-ભિન્ન વિદ્વાનોએ ભિન્ન-ભિન્ન રીતે સ્પષ્ટીકરણ કર્યું છે, તે પ્રજ્ઞાવાનો માટે મનનીય છે. તિર્યંચ પંચેન્દ્રિયોનો અવધિજ્ઞાનનો વિષય :- જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત દ્વીપ-સમુદ્ર પર્વતના ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોને જાણે-દેખે છે. મનુષ્યો અને તિર્યંચોને અનવસ્થિત અવધિજ્ઞાન હોવાથી તેમાં પરિણામોની શુદ્ધિ-અશુદ્ધિના આધારે ક્રમશઃ વધઘટ થાય છે.
અવધિજ્ઞાનની પ્રાપ્તિ સમયે અંગુલના અસંખ્યાતમા ભાગનું અત્યંત ન્યૂનતમ જ્ઞાન હોય છે, ત્યાર પછી ભાવવિશુદ્ધિથી ક્રમશઃ વૃદ્ધિ પામે છે અને પરિણામોની મલિનતાથી પ્રાપ્ત થયેલું નાનું કે મોટું કોઈ પણ અવધિજ્ઞાન નાશ પણ પામે છે. મનુષ્યોના અવધિજ્ઞાનનો વિષય :- જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ લોક અને અલોકમાં પણ લોકપ્રમાણ અસંખ્યાત ખંડ હોય, તો તેને જાણવાનું સામર્થ્ય હોય છે. અલોકમાં રૂપી દ્રવ્ય નથી પરંતુ પ્રસ્તુતમાં અવધિજ્ઞાનના ઉત્કૃષ્ટ વિષયના સામર્થ્ય માત્રનું કથન છે કે જો અલોકમાં રૂપી દ્રવ્ય હોય તો તે અવધિજ્ઞાની અસંખ્ય લોક પ્રમાણ ક્ષેત્રના રૂપી દ્રવ્યોને જાણી શકે તેટલું સામર્થ્ય છે.