________________
[ ૨૮૪]
૨૮૪
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
તેત્રીસમું પદ : : : : : : : : : : રાક જે ૨ઃ હીટ
પરિચય
આ પદનું નામ અવધિપદ છે. તેમાં અવધિજ્ઞાનના ભેદ, વિષય, સંસ્થાનાદિ અવધિજ્ઞાન સંબંધિત વિવિધ વિષયોની પ્રરૂપણા છે.
અવધિજ્ઞાન અતીન્દ્રિય પરંતુ સીમિત જ્ઞાન છે. અવધિજ્ઞાનથી કેવળ રૂપી દ્રવ્યોને જ જાણી શકાય છે, અરૂપી દ્રવ્યોને જાણી શકાતા નથી.
અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી મર્યાદિત ક્ષેત્રમાં રહેલ રૂપી પદાર્થોને સાક્ષાત્ આત્માથી જે જાણે, તે અવધિજ્ઞાન કહેવાય છે.
નારકી અને દેવતાને જન્મથી જ અવધિજ્ઞાન હોય છે. કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોમાં કેટલાક મનુષ્યો અને તિર્યંચોને ક્યારેક સ્વાભાવિક ક્ષયોપશમથી અને કેટલાકને સાધનાથી અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. મનુષ્યોમાં કેટલાક મનુષ્યો પૂર્વ ભવ સંબંધી અવધિજ્ઞાન સાથે લઈને જન્મ ધારણ કરે છે. તિર્યંચોમાં પૂર્વભવ સંબધી અવધિજ્ઞાન જન્મ સમયે હોતું નથી.
અવધિજ્ઞાન ક્ષાયોપથમિક જ્ઞાન હોવાથી તેમાં અનેક પ્રકારની વિવિધતા હોય છે. નારકી અને દેવતાને જન્મથી જે અવધિજ્ઞાન હોય છે તેટલું જ જીવનપર્યત રહે છે, તેમાં વધ-ઘટ થતી નથી. મનુષ્ય અને તિર્યંચોને જે અવધિજ્ઞાન થાય તેમાં આત્મપરિણામોની શુદ્ધિ-અશુદ્ધિથી વધ-ઘટ થતી રહે છે. ક્યારેક પ્રાપ્ત થયેલું અવધિજ્ઞાન નાશ પામી જાય છે અને ક્યારેક જીવનપર્યત કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પર્યત રહે છે. અવધિજ્ઞાનની આવી અનેક પ્રકારની વિવિધતાને સૂત્રકારે અનુગામી, અનનુગામી, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતિ-અપ્રતિપાતિ અવસ્થિત-અનવસ્થિત આદિ પ્રકારોથી સ્પષ્ટતા કરી છે. તે ઉપરાંત તેમાં આવ્યંતર અવધિ-બાહ્યાવધિ, દેશાવધિ-સર્વાવધિ આદિ વિવિધતાઓ પણ હોય છે.
અવધિજ્ઞાની જીવ દ્રવ્યથી અનંત રૂપી દ્રવ્યોને, ક્ષેત્રથી જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ લોક અને અલોકમાં પણ લોક જેટલા અસંખ્ય ખંડ હોય તો તે ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોને, કાલથી જઘન્ય આવલિકાના અસંખ્યાતમા ભાગના અતીત-અનાગતકાલને અને ઉત્કૃષ્ટ અતીત-અનાગત અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી કાલમાં રહેલા રૂપી પદાર્થોને અને ભાવથી રૂપી પદાર્થોની અનંતાનંત પર્યાયોને જાણે છે અને જુએ છે. ચારે ગતિના જીવોના અવધિજ્ઞાનનો વિષય, સંસ્થાન આદિ ભિન્ન-ભિન્ન હોય છે. જેમ-જેમ જીવના આત્મપરિણામોની નિર્મળતા વધતી જાય, તેમ-તેમ તેના અવધિજ્ઞાનનો વિષય વધતો જાય છે.
આ પદમાં દશ દ્વારના માધ્યમથી અવધિજ્ઞાનના સ્વરૂપને સ્પષ્ટ કર્યું છે.