________________
[ ૨૩૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
१६ पोसण्णी-णोअसण्णी णं भंते ! जीवे किं आहारए अणाहारए ? गोयमा ! सिय आहारए सिय अणाहारए । एवं मणूसे वि । सिद्धे अणाहारए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નોસંજ્ઞી નોઅસંજ્ઞી જીવ આહારક હોય છે કે અનાહારક હોય છે? ઉત્તર- હે ગૌતમ! કદાચિત આહારક અને કદાચિત અનાહારક હોય છે. આ જ રીતે મનુષ્યના વિષયમાં પણ જાણવું. સિદ્ધ જીવ અનાહારક હોય છે. | १७ पुहत्तेणं णोसण्णी णोअसण्णी जीवा आहारगा वि अणाहारगा वि । मणूसेसु तियभंगो । सिद्धा अणाहारगा । ભાવાર્થ :- બહુવચનની અપેક્ષાએ નોસંજ્ઞી નોઅસંજ્ઞી જીવો આહારક પણ હોય છે અને અનાહારક પણ હોય છે. બહુવચનની અપેક્ષાએ નોસંજ્ઞી નોઅસંજ્ઞી મનુષ્યોમાં ત્રણ ભંગ થાય છે. અનેક સિદ્ધો અનાહારક જ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંજ્ઞી-અસંજ્ઞી તથા નોસંજ્ઞી નોઅસંજ્ઞી જીવોમાં આહારક-અનાહારકનું કથન છે.
મન સહિતના જીવો સંજ્ઞી અને મન રહિત જીવો અસંશી કહેવાય છે. કોઈ પણ પંચેન્દ્રિય જીવ પર્યાપ્તાવસ્થામાં જ મનયુક્ત થાય છે. વિગ્રહગતિમાં કે અપર્યાપ્તાવસ્થામાં જીવોને મન હોતું નથી. તેમ છતાં જેમ નરકાયુષ્યનું વેદન કરનાર જીવ વિગ્રહગતિમાં પણ નારકી કહેવાય છે, તેમ જે જીવ સંજ્ઞીના આયુષ્યનું વેદન કરી રહ્યા હોય, તે જીવ તેની વિગ્રહગતિમાં પણ સંજ્ઞી જ કહેવાય છે; તેથી વિગ્રહગતિમાં વર્તતા જીવો અનાહારક અને શેષ જીવો આહારક હોય છે. એક સંશી જીવમાં બેમાંથી કોઈ પણ એક અવસ્થા હોય છે.
૨૪ દંડકમાંથી પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિયજીવો અસંજ્ઞી છે, તેથી સંજ્ઞી જીવોના કથનમાં તે આઠ દંડકનો નિષેધ કર્યો છે.
શેષ ૧૬ દંડકના પ્રત્યેક સંજ્ઞી જીવોમાં આહારક કે અનાહારક, કોઈ પણ એક વિકલ્પ હોય છે. અનેક સંશી જીવોમાં ત્રણ ભંગ થાય છે.
સંજ્ઞી જીવોમાં આહારક જીવો શાશ્વત છે. ઉત્પત્તિના વિરહકાલમાં વિગ્રહ ગતિવાળા જીવો હોતા નથી, તેથી અનાહારક જીવો અશાશ્વત હોય છે, ત્યારે શાશ્વત-અશાશ્વત જીવોના સંયોગથી ત્રણ-ત્રણ ભંગ થાય છે. યથા -
(૧) સર્વ જીવો આહારક. જ્યારે એક પણ જીવ વળાંકવાળી વિગ્રહગતિમાં ન હોય, ત્યારે અનાહારક જીવો હોતા નથી, ત્યારે આ પ્રથમ ભંગ ઘટિત થાય છે. (૨) અનેક જીવો આહારક અને એક જીવ અનાહારક. જ્યારે એક જીવ વળાંકવાળી વિગ્રહગતિમાં અનાહારકપણામાં હોય ત્યારે આ બીજો ભંગ ઘટિત થાય છે. (૩) અનેક જીવો આહારક, અનેક જીવો અનાહારક. જ્યારે અનેક જીવો વળાંકવાળી વિગ્રહગતિમાં અનાહારકપણામાં હોય ત્યારે ત્રીજો ભંગ ઘટિત થાય છે. આ રીતે સંજ્ઞીના ૧૬ દંડકના અનેક જીવોમાં આહારક-અનાહારક સંબંધી ત્રણ ભંગ થાય છે.