________________
વીસમું પદઃ ક્રમપ્રકૃતિ ઃ ઉદ્દેશક-૨
[ ૧૨૭ ]
કષાય છે. તેની સ્થિતિ તથા રસ તીવ્ર હોય છે. ૪. સંજ્વલન કષાય – જે કષાય જીવને યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિમાં અર્થાત્ વીતરાગદશાની પ્રાપ્તિમાં બાધક બને, તે સંજ્વલન કષાય છે. તેની સ્થિતિ તથા રસ મંદ હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્રમાં આ ચારે કષાય તથા તેના ચાર-ચાર ભેદના સ્વરૂપને દષ્ટાંતથી સમજાવ્યા છે. તેમાં ક્રોધને તિરાડની, માનને થાંભલાની, માયાને વક્રતાની અને લોભને રંગની ઉપમા આપવામાં આવી છે. ચાર પ્રકારના ક્રોધઃ- (૧) અનંતાનુબંધી ક્રોધ– પર્વતની તિરાડ સમાન, જે ક્રોધ ઉત્પન્ન થયા પછી કોઈપણ ઉપાયે શાંત ન થાય, તે અનંતાનુબંધી ક્રોધ છે. (૨) અપ્રત્યાખ્યાની ક્રોધ- સૂકી નદીમાં પડેલી તિરાડ સમાન, પાણીનો સંયોગ થવાથી તિરાડ ભૂંસાઈ જાય તેમ જે ક્રોધ પરિશ્રમ અને વિશેષ પ્રકારના ઉપાયથી શાંત થાય. તે અપ્રત્યાખ્યાની ક્રોધ છે. (૩) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ- વેળુ(રેતી) મધ્યે પડેલી તિરાડ સમાન, હવા આવવાથી રેતીની તિરાડ ભૂંસાઈ જાય છે, તેમ જે ક્રોધ અલ્પ પરિશ્રમથી શાંત થઈ જાય, તે પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ છે. (૪) સંજવલન ક્રોધ– પાણી મધ્યે ખેંચેલી લીટી સમાન, જે ક્રોધ તત્કાળ શાંત થઈ જાય, તે સંજ્વલન ક્રોધ છે. ચાર પ્રકારના માન:- (૧) અનંતાનુબંધીમાન– પથ્થરના થાંભલા સમાન, જે માનને કઠિન પરિશ્રમ દ્વારા પણ નમાવવો મુશ્કેલ હોય તે અનંતાનુબંધી માન છે. (૨) અપ્રત્યાખ્યાની માન– હાડકાંના થાંભલા સમાન, જે માનને નમાવવામાં અતિપરિશ્રમ અને ઉપાય કરવો પડે તે અપ્રત્યાખ્યાની માન છે. (૩) પ્રત્યાખ્યાનાવરણ માન- કાષ્ઠના થાંભલા સમાન, તે પ્રયત્ન વિશેષથી નરમ બને તેમ જે માન પ્રયત્ન અને ઉપાયથી નમી જાય, તેને પ્રત્યાખ્યાનાવરણીય માન કહે છે. (૪) સંજ્વલનમાન– નેતરના થાંભલા સમાન, તે અત્યંત અલ્પતમ પ્રયત્ન વળી જાય છે તેમ જ માન ક્ષણભરમાં પોતાના આગ્રહને છોડી નમી જાય તે સંજવલન માન છે. ચાર પ્રકારની માયા :- (૧) અનંતાનુબંધી માયા– વાંસના મૂળિયા સમાન જેની વક્રતાનું સીધું થવું અસંભવ છે, તેમ જે માયા અત્યંત પ્રયત્ન કરવા છતાં છૂટવી અસંભવ હોય તે અનંતાનુબંધી માયા છે. (૨) અપ્રત્યાખ્યાની માયા- ઘેટાનાં શીંગડા સમાન, તેની વક્રતાને કઠિન પરિશ્રમે દૂર કરી શકાય. તેમ જ માયાને અત્યંત કઠિન પરિશ્રમ અને ઉપાયોથી દૂર કરી શકાય, તે અપ્રત્યાખ્યાની માયા છે. (૩) પ્રત્યાખ્યાનાવરણ માયા- ગોમૂત્રિકાની વક્રતા સમાન, જે માયાના કુટિલ પરિણામો અલ્પ પ્રયત્નથી દૂર કરી શકાય તે પ્રત્યાખ્યાનાવરણ માયા છે. (૪) સંજ્વલન માયા– વાંસના છોલની વક્રતા સમાન, જે માયાને તુરંત જ વાળી શકાય-સરળ થઈ જાય તે સંજવલન માયા છે. ચાર પ્રકારનાં લોભ :- (૧) અનંતાનુબંધી લોભ- કિરમજીના રંગ સમાન, વસ્તુ તૂટ-ફાટે પણ તે રંગ જરાય ન ઉડે; તેમ અત્યંત પ્રયત્ન છતાં જે લોભ છૂટે નહીં તે અનંતાનુબંધી લોભ છે. (૨) અપ્રત્યાખ્યાની લોભ- ગાડાના ઊંજન(કીલ) રંગ સમાન, અત્યંત પ્રયત્નથી જે લોભ છૂટે તે અપ્રત્યાખ્યાની લોભ છે. (૩) પ્રત્યાખ્યાનાવરણ લોભ- કાજળ(આંજણ)ના રંગ સમાન, અલ્પ પ્રયત્નથી જે લોભનો રંગ છૂટી જાય તે પ્રત્યાખ્યાનાવરણ લોભ છે. (૪) સંજ્વલન લોભ- હળદરના રંગ સમાન, સૂર્યનાં કિરણ લાગતા તુરંત ઊડી જાય; તેમ જે લોભ તુરંત છૂટી જાય, તે સંજ્વલન લોભ છે. નોકષાય વેદનીય :- જે કષાય નથી, પરંતુ કષાયના ઉદયની સાથે જેનો ઉદય થાય છે, અથવા જે કષાયોને ઉત્તેજિત કરવામાં સહાયક બને છે, તે નોકષાય વેદનીય કર્મ છે. તેના નવ ભેદ છે.