________________
૨૨૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
આકાર (૩) વ્યસ સંસ્થાન-ત્રિકોણ આકાર (૪) ચતુરસ સંસ્થાન–ચોરસ આકાર (૫) આયત સંસ્થાનલાંબી લાકડીનો આકાર. (૪) ભેદ પરિણામ:- પુદ્ગલ દ્રવ્યમાં ભેદ થવો, તે ભેદ પરિણામ છે. પુદ્ગલ સ્કંધનો ભેદ પાંચ પ્રકારે થાય છે– (૧) ખંડ ભેદ– લોખંડ આદિના ટુકડાની જેમ ભેદ થાય તે (૨) પ્રતર ભેદ– અબરખના પડની જેમ ભેદ થાય તે (૩) ચૂર્ણિકા ભેદ– ઘઉં આદિના લોટની જેમ ચૂર્ણ– ભૂકો થાય તે (૪) અનુતટિકાભેદ– નદી આદિ જલાશયના કિનારે માટી સૂકાઈ જાય અને તેમાં તિરાડ પડવાની જેમ ભેદ થાય તે, (૫) ઉત્કરિકાભેદ– મગફળી આદિની શીંગ ફાટવાની જેમ ભેદ થાય તે. (પ-૮) વર્ણ પરિણામ - પુદગલના વર્ણરૂપ પરિણામ, તે વર્ણ પરિણામ છે. તે જ રીતે ગંધ પરિણામ, રસરૂપ પરિણામ, સ્પર્શરૂપ પરિણામના ભેદ ભાવાર્થથી સ્પષ્ટ છે. (૯) અગુરુલઘુ પરિણામ :- જે પુદ્ગલ દ્રવ્ય ભારે ન હોય અને હળવો પણ ન હોય તેને અગુરુલઘુ પરિણામ કહે છે. પુદ્ગલ દ્રવ્યમાં ચાર સ્પર્શી ભાષા વર્ગણા, મનોવર્ગણા અને કાશ્મણ વર્ગણાના પુગલો તેમજ અમૂર્ત આકાશાદિ દ્રવ્ય અગુરુલઘુ છે અને આઠ સ્પર્શી ઔદારિક, વૈક્રિય, આહારક અને તૈજસ વર્ગણાના પુદ્ગલો ગુરુલઘુ છે. (૧૦) શબ્દ પરિણામ :- શબ્દ અજીવ પરિણામ છે છતાં, ઉત્પત્તિ નિમિત્તના કારણે તેના ત્રણ પ્રકાર થાય છે– (૧) જીવ શબ્દ (૨) અજીવ શબ્દ (૩) મિશ્ર શબ્દ. તે ત્રણ પ્રકારના શબ્દો શુભ અને અશુભ, તેમ બે પ્રકારના હોય છે. પ્રસ્તુત સૂત્રમાં જીવ શબ્દ આદિ ત્રણ ભેદનું કથન નથી પરંતુ શુભ શબ્દ અને અશુભ શબ્દ તેમ બે ભેદ કર્યા છે. (૧) શ્રોતાને પ્રિય લાગે તેવા શબ્દોને શુભ શબ્દ પરિણામ અને શ્રોતાને અપ્રિય લાગે તેને અશુભ શબ્દ પરિણામ કહે છે.
II તેરમું પદ સંપૂર્ણ