________________
બાર પદ: શરીર
૧૭૭ ]
છે. મનુષ્ય કે તિર્યંચ ગતિમાં જન્મ થાય તો ઔદારિક શરીરનું અને દેવ કે નરક ગતિમાં જન્મ થાય, તો વૈક્રિય શરીરનું નિર્માણ કરે છે. આહારક શરીર, આહારક લબ્ધિ ધારક મુનિરાજને જ હોય શકે છે. - ૨૪ દંડકના જીવોમાં નારકી અને દેવના કુલ ચૌદ દંડકમાં વૈક્રિય, તૈજસ અને કાર્મણ, આ ત્રણ શરીર હોય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વનસ્પતિ, ત્રણ વિકસેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, સંમૂર્છાિમ મનુષ્ય અને યુગલિક મનુષ્ય-તિર્યંચને ઔદારિક, તૈજસ અને કાર્મણ, આ ત્રણ શરીર હોય છે. વાયુકાય અને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયને ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્મણ, આ ચાર શરીર હોય છે અને કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને પાંચ શરીર હોય છે.
સમુચ્ચય રીતે જીવે ગ્રહણ કરેલા બદ્ધ ઔદારિક શરીર અને બદ્ધવૈક્રિય શરીર અસંખ્યાતા, આહારક શરીર કદાચિત્ હોય અથવા ન હોય, જો હોય તો જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ અનેક હજાર હોય છે. તૈજસ-કાશ્મણ શરીર જીવોની સંખ્યા પ્રમાણે અનંત હોય છે.
જીવે છોડેલા મુક્ત ઔદારિક આદિ પાંચે શરીર અનંત હોય છે, કારણ કે એક શરીર જીવથી અલગ થાય ત્યારે તેના અનંત ખંડ થઈને લોકમાં પ્રસરી જાય છે.
આ જીવે પ્રત્યેક દંડકમાં જન્મ ધારણ કરી શરીર બનાવ્યા છે અને સમય-મર્યાદા પૂર્ણ થતાં તે શરીર છોડી દીધા છે. આમ અનંતકાલમાં જીવે અનંત શરીર ધારણ કરીને છોડ્યા છે. તેમ છતાં છોડેલા તે શરીર ખંડ અસંખ્યકાલ સુધી જ લોકમાં રહે છે ત્યારપછી પરિણામાંતરને પ્રાપ્ત થાય છે.
આ રીતે જીવન પ્રત્યેક જન્મમાં નવીન શરીરની પ્રાપ્તિ થાય છે અને તે છૂટી જાય છે. આ જાણી મોક્ષાર્થી સાધક, શરીર પ્રત્યે રાગ ભાવને ન્યૂન ન્યૂનતમ કરતાં શરીરાસક્તિ છોડીને આત્મ ભાવોમાં, સંયમ તપમાં પુરુષાર્થશીલ બને.