________________
[ ૧૮ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૨
જાતિ આદિ કર્મપ્રકૃતિઓનો નિધત્ત રૂપે બંધ થવો તેને નિધત્તાયુ કહે છે. (૧) જાતિનામ નિધત્તાયુ - આયુષ્ય કર્મના બંધની સાથે તે આયુષ્યને અનુરૂપ એકેન્દ્રિયાદિ પાંચ જાતિમાંથી કોઈપણ એક જાતિનામ કર્મની ગોઠવણી થાય તેને જાતિનામ નિધત્તાયુ કહે છે. જેમ કે પૃથ્વીકાયના આયુષ્યના બંધ સમયે એકેન્દ્રિય જાતિ, મનુષ્યાયુના બંધ સમયે પંચેન્દ્રિય જાતિ નામ કર્મની ગોઠવણી થાય છે, તે જાતિ નામનિધત્તાયુ છે. (૨) ગતિના નિધત્તાયુઃ- આયુષ્યકર્મના બંધ સાથે નરકાદિ ચાર ગતિમાંથી કોઈ પણ એક ગતિ નામ કર્મની ગોઠવણી થવી, તેને ગતિનામ નિધત્તાયુ કહેવાય છે. જેમ કે પૃથ્વીકાયના આયુષ્યના બંધ સાથે તિર્યંચ ગતિ નામકર્મનો નિષેક થાય છે, તે ગતિનામ નિધત્તાયુ છે. (૩) સ્થિતિનામ નિધત્તાય - આયુષ્ય કર્મ સાથે સ્થિતિનું સંબંધિત થવું. તેને સ્થિતિ નામ નિધત્તાયુ કહે છે. જેમ કે પૃથ્વીકાયના આયુષ્ય બંધ સમયે જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૨૨,000 વર્ષના આયુષ્યને અનુરૂપ જાતિ, ગતિ આદિની સ્થિતિનો નિષેક થવો, તે સ્થિતિનામ નિધત્તાયુ છે. (૪) અવગાહના નામ નિધરાયું - જીવ જેમાં રહે, અવગાહના કરે, તેને અવગાહના કહે છે. જીવ ઔદારિકાદિ શરીરમાં રહે છે. તેનું નિર્માણ કરનાર ઔદારિકાદિ શરીરનામ કર્મ-અવગાહનાનામ છે. આયુષ્ય બંધ સમયે તદનુરૂપ અવગાહના શરીર નામકર્મનો નિષેક થાય છે, તેને અવગાહના નામનિધત્તાયુ કહે છે. જેમ કે પૃથ્વીકાયના આયુષ્ય બંધ સમયે તદનુરૂપ અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાયુક્ત ઔદારિક શરીર નામકર્મનો નિષેક થાય, દેવાયુના બંધ સમયે તદનુરૂપ સાત હાથ પ્રમાણ વગેરે વૈક્રિય શરીરનામ કર્મનો નિષેક થાય, તે અવગાહનાનામ નિધત્તાયુ છે. (૫) પ્રદેશનામ નિધિત્તાયુ :- કર્મ પરમાણુઓને પ્રદેશ કહે છે. આયુષ્યકર્મના બંધ સાથે જાતિ, ગતિ આદિ નામ કર્મની પ્રકૃતિઓના પ્રદેશ સંચયનો નિષેક થવો, તેને પ્રદેશ નામ નિધત્તાયુ કહેવાય છે. જેમ કે પૃથ્વીકાયના આયુષ્ય બંધ સમયે એકેન્દ્રિય જાતિ, તિર્યંચગતિ વગેરે નામ કર્મની પ્રકૃતિઓના પ્રદેશોના સંચયરૂપ ગોઠવણી થાય, તે પ્રદેશ નામ નિધિત્તાયુ છે. (૬) અનુભાવ નામ નિધત્તાયુ - અનુભાવ એટલે વિપાકશકિત. આયુષ્યના બંધ સમયે તદનુરૂપ જાતિ વગેરેના તીવ્ર મંદવિપાક બંધને અનુભાવ નામનિધત્તાયુ કહે છે. જેમ કે નરકાયુના ઉદયમાં અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ઉપઘાત, અનાદેય, દુઃસ્વર, અયશકીર્તિ વગેરે નામકર્મ તીવ્ર વિપાક સહિત અનુભવમાં આવે છે, તેવા તીવ્રવિપાકવાળી કર્મ પ્રકૃતિઓની સાથે નિધત્ત-બંધાતું આયુષ્ય અનુભાવ નામનિધત્તાયુ છે.
જીવ જ્યારે કોઈ પણ એક ભવનું આયુષ્ય બાંધે ત્યારે તેની સાથે આ છએ બોલોની ગોઠવણી થાય છે. યથા- નરકાયુષ્યનો બંધ થાય, ત્યારે તેની સાથે નરકગતિનામ, પંચેન્દ્રિય જાતિ, ગતિ-જાતિ આદિ નામ કર્મની સ્થિતિ, વૈક્રિય શરીરની અવગાહના, તે કર્મોના પ્રદેશોનો સંચય અને તેનો વિપાક નિશ્ચિત થઈ જાય છે. ઉપરોકત છ પ્રકારમાં ગતિનામ, જાતિનામ અને અવગાહના નામમાં પ્રકૃતિબંધનું ગ્રહણ છે અને સ્થિતિનામ, અનુભાગનામ અને પ્રદેશ નામમાં તે ગતિ આદિના સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશ બંધનું ગ્રહણ કર્યું છે. તે સ્થિતિ આદિ ત્રણે ય ગતિ, જાતિ વગેરે નામ કર્મની પ્રકૃતિઓથી સંબંધિત હોવાથી તેને સ્થિતિનામ આદિ રૂપે કહ્યા છે. તેમજ ગતિનામ આદિ છ એ પ્રકારના કર્મબંધમાં આયુષ્ય કર્મની જ પ્રધાનતા છે, નરકાદિ આયુષ્યના ઉદય સાથે જ તદનુરૂપ જાતિ આદિ નામ કર્મનો ઉદય થાય છે, અન્યથા ઉદય થતો નથી. આમ આયુષ્યની મુખ્યતા બતાવવા માટે આયુષ્યકર્મના વિશેષણ તરીકે તેનો પ્રયોગ કર્યો છે.