________________
[ ૩૭૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
થાય છે. તેથી વર્ણાદિની અપેક્ષાએ નૈરયિકોના અનંત પર્યાય છે. જ્ઞાન-દર્શનની અપેક્ષાએ ઉપયોગની દષ્ટિએ પણ નૈરયિકોના અનંત પર્યાય છે. નૈરયિકોને સમુચ્ચય ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન હોય છે. ક્ષયોપશમની તરતમતાથી તેમાં પણ અનંત ભેદ થાય છે. આ રીતે આ પદમાં નૈરયિકોની જેમ પ્રત્યેક જીવોની વિશેષતાથી વિચારણા થઈ છે. અજીવ પર્યાય - અજીવ દ્રવ્યના બે ભેદ છે– અરૂપી અજીવ અને રૂપી અજીવ. પ્રસ્તુતમાં રૂપી અજીવના પરમાણુ અને સ્કંધ રૂપ બે ભેદ કરી તેના પર્યાયોનું વિવિધ દષ્ટિકોણથી નિરૂપણ છે. અજીવદ્રવ્યમાં જ્ઞાનદર્શનનો અભાવ હોવાથી ઉપયોગ સિવાયના પર્યાયોની વિચારણા છે.
દ્રવ્યાર્થથી પ્રત્યેક પરમાણ સ્વતંત્ર દ્રવ્ય હોવાથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. પ્રદેશથી પ્રત્યેક પરમાણુ અપ્રદેશી હોવાથી પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે.અવગાહનાથી પ્રત્યેક પરમાણુ એક આકાશપ્રદેશ પર જ સ્થિત હોવાથી અવગાહનાની અપેક્ષાએ એક સમાન છે. સ્થિતિથી- પરમાણુની સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલની છે. તેથી તેમાં અસંખ્યાતભાગ, સંખ્યાતભાગ, સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ, તે ચાર સ્થાનથી ન્યૂનાધિકતા થાય છે. વણાદિથી એક પરમાણુમાં એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ હોય છે. તેમાં એક થી અનંતગુણની તરતમતા હોવાથી અનંતભાગ, અસંખ્યાતભાગ, સંખ્યાતભાગ, સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ અને અનંતગુણ, તે છ સ્થાનથી ન્યૂનાધિકતા થાય છે. આ જ રીતે દ્ધિપ્રદેશી અંધથી લઈને અનંતપ્રદેશી સ્કંધ સુધીના પર્યાયોની વિચારણા થાય છે.
અજીવ દ્રવ્યની વિચારણામાં દ્રવ્યની અપેક્ષાએ પરમાણુથી અનંતપ્રદેશી સ્કંધનું, ક્ષેત્રથી એક પ્રદેશાવગાઢથી અસંખ્ય પ્રદેશાવગાઢ પુગલોનું, કાલથી એક સમયથી અસંખ્ય સમયની સ્થિતિવાળા પુદ્ગલોનું ભાવથી એકથી અનંત ગુણ કૃષ્ણવર્ણથી રૂક્ષસ્પર્શ પર્યત ૨૦ બોલની અપેક્ષાએ પર્યાયોનું કથન છે.
ત્યાર પછી સ્થિતિ, અવગાહના અને વર્ણાદિકૃત ભેદોમાં પણ જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ આ ત્રણેય પ્રકારની અપેક્ષાએ પણ પર્યાયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
આ રીતે જીવ અને અજીવ દ્રવ્યોની અનંત પ્રકારની વિવિધતાઓ આ પદમાં પ્રગટ કરવામાં આવી છે.