________________
[ ૧૧૨ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧
અનુત્તરોપપાતિક દેવોના પર્યાપ્ત-અપર્યાપ્ત અને (૨૧) સિદ્ધ.
પાંચ પ્રકારના સુક્ષ્મ સ્થાવર જીવો આખા લોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. તેનો એક જીવ લોકવ્યાપી નથી પરંતુ સૂક્ષ્મ જીવોની સમગ્ર જીવરાશિથી સંપૂર્ણ લોક વ્યાપ્ત થઈ જાય છે. તેથી તે જીવોના સ્વસ્થાન, ઉપપાતસ્થાન અને સમુદ્યાતસ્થાન સંપૂર્ણ લોક છે.
પર્યાપ્ત–બાદર પૃથ્વીકાયિક જીવોના સ્વસ્થાન આઠ પૃથ્વી, નરકાવાસ, દેવલોક, પાતાળકળશ, પર્વત આદિ સ્થાનોમાં હોય છે. તેના સ્વસ્થાન લોકના અસંખ્યાતમા ભાગમાં છે.
ઉત્પન્ન થતાં પર્યાપ્ત–બાદર પૃથ્વીકાયિક જીવો પણ લોકના અસંખ્યાતમા ભાગમાં જ હોય છે અને પર્યાપ્ત પૃથ્વીકાયિક જીવો મૃત્યુ સમયે મારણાંતિક સમુઘાત કરે ત્યારે પણ તેનું સ્થાન લોકનો અસંખ્યાતમો ભાગ જ થાય છે. અપર્યાપ્ત પૃથ્વીકાયિક જીવોના સ્વસ્થાન લોકનો અસંખ્યાતમો ભાગ છે. તે જીવોની સંખ્યા અધિક હોવાથી ઉપપાત અને સમુદ્યાતની અપેક્ષાએ તે જીવોનું ક્ષેત્ર સર્વલોક થઈ જાય છે. આ રીતે સૂત્રકારે પ્રત્યેક જીવોના સ્વસ્થાન આદિ ત્રણે સ્થાન અને સંપૂર્ણ લોકમાં તેનું પ્રમાણ સ્પષ્ટ કર્યું છે.
સિદ્ધ જીવો જ્યાં સ્થિત થાય તે સિદ્ધક્ષેત્ર, સિદ્ધોનું સ્વસ્થાન છે. તે જીવો એક પણ આકાશ પ્રદેશનો સ્પર્શ કર્યા વિના અસ્પૃશગતિથી એક સમય માત્રમાં સ્વસ્થાનને પ્રાપ્ત કરી લે છે. માર્ગમાં અન્ય પ્રદેશોની સ્પર્શના ન થવાથી તેનું ઉપપાત નથી. તેમજ કર્મ અને શરીર રહિત હોવાથી તેઓને કોઈપણ સમુદ્યાત નથી.