________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
અપેક્ષાએ તેના બે ભેદ છે– અનંતર સિદ્ધ અને પરંપર સિદ્ધ તથા અનંતર સિદ્ધના ભૂતકાલીન અવસ્થાના આધારે તીર્થસિદ્ધા વગેરે ૧૫ ભેદ થાય છે. (૨) સંસારી જીવ-જે જીવ કર્મ સહિત ચાર ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે, તેને સંસારી જીવ કહે છે. તેના બે ભેદ છે– ત્રસ અને સ્થાવર. સ્થાવર- જે જીવ એક સ્થાનથી અન્ય સ્થાને ગતિ ન કરી શકે અર્થાત જે જીવ સ્થિર રહેતા હોય અને જેને સ્થાવર નામકર્મનો ઉદય હોય તેને સ્થાવર કહે છે. તેના ત્રણ ભેદ છે–પૃથ્વીકાય, અષ્કાય, અને વનસ્પતિકાય. ત્રસ–જે જીવ સ્થાનાંતરરૂપ ગતિ કરી શકે છે, તેને ત્રસ કહે છે. તેજસ્કાય, વાયુકાય, આ બે પ્રકારના જીવોને ત્રણ નામ કર્મનો ઉદય ન હોવા છતાં તે બંને સહજરૂપે ગતિ કરે છે, તેથી પ્રસ્તુતમાં તેને ગતિત્રસ કહ્યા છે. જેને ત્રસનામ કર્મનો ઉદય હોય અને ગતિ કરે તેને ઉદાર ત્રસ કહ્યા છે. તેના ચાર ભેદ છે– બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય. તેમાં પંચેન્દ્રિયના ચાર ભેદ છે– નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. નારકી– સાત નરકની અપેક્ષાએ નારકીઓના સાત ભેદ છે. તિર્યંચ પંચેન્દ્રિય– તેના બે ભેદ છે– સંમૂર્છાિમ અને ગર્ભજ. તે બંનેના ત્રણ-ત્રણ ભેદ છે– જલચર, સ્થલચર અને ખેચર. સ્થલચરના ચતુષ્પદ સ્થલચર, ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ, એમ ત્રણ ભેદ છે. આ રીતે તિર્યંચ પંચેન્દ્રિયના કુલ પાંચ પ્રકાર છે– (૧) જલચર (૨) સ્થલચર (૩) ખેચર, આ ત્રણ મૂલ ભેદ છે અને (૪) ઉરપરિસર્પ (૫) ભુજપરિસર્પ, આ બે ઉત્તર ભેદ છે. મનુષ્ય – તેના બે ભેદ છે– સંમૂર્છાિમ અને ગર્ભજ. મનુષ્યોની ૧૪ પ્રકારની અશુચિમાં પંચેન્દ્રિય મનુષ્યો ઉત્પન્ન થાય છે, તે સંમૂર્છાિમ મનુષ્ય છે. ગર્ભજ– ક્ષેત્રની અપેક્ષાએ તેના ત્રણ ભેદ છે– (૧) ૧૫ કર્મભૂમિમાં ઉત્પન્ન થનારા કર્મભૂમિજ મનુષ્યો, (૨) ૩૦ અકર્મભૂમિમાં ઉત્પન્ન થનારા અકર્મભૂમિજ મનુષ્યો, (૩) લવણ સમુદ્રવર્તી પ૬ અંતરદ્વીપોમાં ઉત્પન્ન થનારા અંતરદ્વીપજ મનુષ્યો. કર્મભૂમિજ મનુષ્યોના બે ભેદ છે- આર્ય અને અનાર્ય. દેવો– તેની મુખ્ય ચાર જાતિ છે– ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. તેમાં ભવનપતિના ૧૦ ભેદ, વ્યંતરના આઠ ભેદ, જ્યોતિષીના પાંચ ભેદ અને વૈમાનિકના મુખ્ય બે ભેદ છે-કલ્પોપપત્રક અને કલ્પાતીત. બાર દેવલોકના દેવો કલ્પોપપન્નક છે, નવરૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવો કલ્પાતીત છે. તે દરેક દેવોના પર્યાપ્તા અને અપર્યાપ્તા બે ભેદ થાય છે. આ રીતે સંસારી જીવોના અનેક ભેદ-પ્રભેદ થાય છે.
જીવોના ભેદ-પ્રભેદ દર્શાવ્યા પછી આ પ્રતિપત્તિમાં જીવોની ઋદ્ધિને ૨૩ દ્વારથી સમજાવી છે. તે ૨૩ દ્વાર આ પ્રમાણે છે– (૧) શરીર (૨) અવગાહના (૩) સંઘયણ (૪) સંસ્થાન (૫) કષાય (૬) સંજ્ઞા (૭) વેશ્યા (૮) ઇન્દ્રિય (૯) સમુદ્યાત (૧૦) સંજ્ઞી (૧૧) વેદ (૧૨) પર્યાપ્તિ (૧૩) દષ્ટિ (૧૪) દર્શન (૧૫) જ્ઞાન (૧૬) યોગ (૧૭) ઉપયોગ (૧૮) આહાર (૧૯) ઉપપાત (૨૦) સ્થિતિ (૨૧) મરણ (૨૨) ચ્યવન (૨૩) ગતિ-આગતિ.
આ રીતે પ્રથમ પ્રતિપત્તિમાં અજીવ દ્રવ્ય અને સિદ્ધોના વર્ણન ઉપરાંત બે પ્રકારના સંસારી જીવો અને તેની ઋદ્ધિનું ૨૩ પ્રકારે નિરૂપણ છે.