________________
૫૧૦
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
તેની ચારે દિશામાં ચાર અંજનગિરિ પર્વત છે. તે ગોપુચ્છ સંસ્થાને સંસ્થિત છે. તેના શિખરના મધ્યભાગમાં સિદ્ધાયતન(તેના અધિષ્ઠાયક દેવનું ભવન) છે.
પ્રત્યેક અંજનપર્વતની ચારે દિશામાં ચાર-ચાર નંદા નામની પુષ્કરિણી (વાવડીઓ) છે. તે વાવડીઓની વચ્ચે એક-એક દધિમુખ પર્વત છે. નંદીશ્વર દ્વીપની ચારે વિદિશામાં એક-એક રતિકર પર્વત છે; તેમ કુલ ચાર રતિકર પર્વત છે.
નંદીશ્વરદ્વીપમાં ચારે જાતિના દેવો તીર્થકરોના જન્માદિ સમયે તેમજ સંવત્સરી આદિ મહાપર્વોના દિવસે આવે છે. ત્યાં આવીને અણહ્નિકા મહોત્સવ ઉજવે છે અને આનંદ-પ્રમોદ કરે છે.
આ રીતે અસંખ્ય દ્વીપોમાં નંદીશ્વર દ્વીપનું સ્થાન વિશિષ્ટ છે.