________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
કરતાં કંઈક ઓછી એટલે દેશોન ૮૦૦ નષની હોય છે. ત્યાં મનુષ્યોને વજઋષભનારાચ સંઘયણ અને સમચતુરસ્ર સંસ્થાન તથા પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ્ય હોય છે. ક્ષેત્ર સ્વભાવથી ત્યાં સ્ત્રી-પુરુષો યુગલિક- રૂપે જ જન્મે છે. કયારે ય બે પુરુષ કે બે સ્ત્રી જન્મ ધારણ કરતા નથી. સાથે જન્મેલા તે બંને ભાઈ-બહેન- રૂપે વિચરણ કરે છે અને કાલ પરિપક્વ થતાં પતિ-પત્ની રૂપે વિચરણ કરે છે. તે પોતાના જીવનકાલ દરમ્યાન આયુષ્યના છ માસ શેષ રહે ત્યારે એક યુગલને જન્મ આપે છે. તેની પ્રતિપાલના ૭૯ દિવસ કરે છે. એક યુગલ બે થી વધુ સંતાનને જન્મ આપતા નથી. તેથી ત્યાં મનુષ્યોની સંખ્યામાં વધ-ઘટ થતી નથી; સદાકાલ એક જ નિશ્ચિત સંખ્યા યુગલિકોની રહે છે.
૩૧૬
અંતરદ્વીપના મનુષ્યોનો આહાર :– તે મનુષ્યોને એકાંતર– એક દિવસ છોડીને બીજા દિવસે આહારની ઇચ્છા થાય છે. જ્યારે આહા૨ની ઇચ્છા થાય ત્યારે વૃક્ષના પુષ્પો અને ફળોનો આહાર કરીને તે તૃપ્ત થાય છે. તે ફળો અત્યંત મીઠા, મધુરા, સુપાચ્ય, બલ–વીર્ય વર્ધક અને સ્વાદિષ્ટ હોય છે. તે ફળો અત્યંત સાત્વિક અને શક્તિ સંપન્ન હોવાથી મનુષ્યોને વારંવાર આહારની ઇચ્છા થતી નથી.
અંતરદ્વીપના મનુષ્યોનો જીવન-વ્યવહાર:–અંતરદ્વીપોમાં ગામ, નગર, મકાન, દુકાન, વ્યાપાર, વાણિજ્ય, ક્રય-વિક્રય આદિ કાંઈ જ નથી. ત્યાંના અત્યંત સઘન વૃક્ષો જ આવાસ રૂપે પરિણત થઈ જાય છે. વૃક્ષો દ્વારા જ જીવન-જરૂરિયાતની પૂર્તિ થાય છે, તેથી અસિ, મસિ અને કૃષિ આદિ અન્ય કોઈપણ પ્રવૃત્તિઓ ત્યાં હોતી નથી. ત્યાં સોનુ,ચાંદી આદિ બહુમૂલ્ય પદાર્થો હોય છે પરંતુ યુગલિક મનુષ્યોને તેનું મમત્વ કે સંગ્રહવૃત્તિ નથી, માતા,પિતા, ભાઈ-બેન આદિ સંબંધોમાં પણ તેઓ તીવ્ર અનુરાગી નથી. આવશ્યકતા પૂર્તિના સાધનો સહજ ઉપલબ્ધ હોવાથી કોઈપણ પ્રકારના સંઘર્ષ, વેરઝેર, ક્લેશ, શત્રુતા આદિ ભાવોને કોઈ સ્થાન નથી. તેઓ સહજ રીતે અલ્પકષાયી, ભદ્ર અને વિનીત હોય છે.
તે મનુષ્યો પાદવિહારી હોય છે. ત્યાં ઘોડા, બળદ આદિ પશુઓ હોય પરંતુ તે મનુષ્યોના ઉપયોગમાં આવતા નથી. સિંહ, વાઘ, ચિત્તા વગેરે જંગલી પશુઓ પણ ત્યાંના ક્ષેત્ર પ્રભાવે ભદ્રપ્રકૃત્તિના હોય છે. તેઓ મનુષ્યોને બાધક બનતા નથી. ત્યાં જલચર, સ્થલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચર આ પાંચે પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયો હોય છે, તેમાંથી સ્થલચર અને ખેચર બે પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયો યુગલિક હોય છે, ત્યાં માખી, મચ્છર, ડાંસ વગેરે ક્ષુદ્ર જંતુઓ હોતા નથી, યુગલિક ક્ષેત્ર તેવા ત્રાસજનક જીવોથી રહિત હોય છે. ત્યાં કોઈપણ પ્રકારની દુર્ઘટના થતી નથી. મનુષ્યોને આધિ, વ્યાધિ કે ઉપાધિનું દુઃખ હોતું નથી. તે ક્ષેત્રોમાં યુગલિકો સર્વ પ્રકારના શારીરિક, માનસિક, સાંયોગિક સુખનો અનુભવ કરતા જીવન પૂર્ણ કરે છે. યુગલિકોમાં અનુશાસન :- યુગલિકોમાં રાજા, પ્રધાન, મંત્રી, શેઠ, નોકર, સેનાપતિ આદિ નાના-મોટા કોઈ પણ પ્રકારના પદ હોતા નથી. ત્યાં સ્વામી-સેવક જેવા ભેદ નથી. પ્રત્યેક યુગલિકો સ્વેચ્છાપૂર્વક સ્વતંત્રતાથી વિચરણ કરે છે, ત્યાં કોઈ પણ પ્રકારનું અનુશાસન હોતું નથી.
યુગલિક ક્ષેત્રમાં ઉત્સવો :– તે ક્ષેત્ર સ્વાભાવિક રીતે જ આનંદદાયક, રમણીય અને મનોહર હોય છે. યુગલિકો હંમેશાં પોતાની ઇચ્છા પ્રમાણે આનંદ-પ્રમોદ કરે છે, તેથી તેઓને ઉત્સવોનો મહિમા રહેતો નથી. આ રીતે યુગલિક ક્ષેત્રમાં લગ્ન આદિ કોઈ પણ પ્રકારના ઉત્સવો કે ખેલ, તમાશા આદિ થતા નથી. અંતરદ્વીપના મનુષ્યોનો આયુષ્યબંધ, મૃત્યુ તથા ગતિ :– તે મનુષ્યો આયુષ્યના છ માસ શેષ રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. તે પોતાનું પરિપૂર્ણ આયુષ્ય ભોગવે છે. તેઓનું અકાલ મૃત્યુ થતું નથી. આયુષ્ય પૂર્ણ થાય ત્યારે કોઈપણ જાતના કષ્ટ વિના માત્ર છીંક, બગાસું કે ઉધરસના નિમિત્તે જ પતિ-પત્ની