________________
નામ કર્મ ના પ્રભાવે શરીરના ઈન્દ્રિયાદિ ભેદો અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ઈત્યાદિ ભેદો ઉત્પન્ન થાય છે પરંતુ નામ કર્મ કોઈ કૃત્રિમ જાતિવાદને જન્મ આપતું નથી, એ ખાસ વિશેષ વાત છે.
સમગ્ર “જીવાજીવાભિગમ” શાસ્ત્ર એક પ્રકારે કહો તો “નામ કર્મનો ઉદયમાન વિસ્તારમાં છે. જેને આધારે સમગ્ર લોકના ભિન્ન-ભિન્ન પ્રકારના નાના-મોટા જીવ-જંતુઓ, ભિન્ન-ભિન્ન પ્રકારના શરીર ધારણ કરી ખદબદી રહ્યા છે. જીવાજીવાભિગમ શાસ્ત્રની જીવરાશિની ગણનાનો દૃષ્ટિકોણ એક સ્વતંત્ર વિષય છે.
જીવાજીવાભિગમ શાસ્ત્રના તો પદ પદના અર્થ વિદ્વાન સતીજી, જેઓએ આ કામ હાથ ધર્યું છે, તેઓ કરશે. જેથી વિશેષ કોઈ ભાવોની વ્યાખ્યા ન કરતાં સમગ્ર શાસ્ત્ર ઉપર દષ્ટિપાત કરી, જીવાજીવાભિગમનો આધ્યાત્મિક ગૂઢ ભાવ વ્યક્ત કરવા માટે અમોએ બે શબ્દો કહ્યા છે. આ ભાવોમાં કોઈ ત્રુટિ રહેવા સંભવ છે, પરંતુ જીવાજીવાભિગમનું જે લક્ષ છે, તે લક્ષ્યાર્થ ઘણો સચોટ છે માટે ત્રુટિને દરગુજર કરી, લક્ષ્યાર્થ તરફ ધ્યાન આપવા માટે વિનંતિ છે.
રાજકોટ રોયલ પાર્ક જૈન સંઘ અત્યારે જ્ઞાન ઉપાસનાનું કેન્દ્ર બન્યું છે. તે ભૂતકાળના શાસ્ત્ર સંઘટનના સંમેલનોની યાદ આપે છે. આ ગુરુતમ કાર્ય કરવા માટે આપ સૌ જ્ઞાન સાધનાનો જે ભગીરથ પ્રયાસ કરી રહ્યા છો તેથી હૃદય ગ-ગદ્ થઈ જાય છે. અંતરની ઉર્મિઓ આપ સૌને અભિનંદન આપવા માટે તલપાપડ બની રહે છે.
પુનઃ આવો યોગ્ય અવસર પાઠવતા રહેશો.
અહીં બિરાજમાન શ્રી દર્શનાબાઈ સ્વામી, જેઓ અમને જાગૃત રાખી સમય પર આવા અભિગમ લેખ લખાવીને, સારા અક્ષરમાં પોતે તૈયાર કરી, સહયોગ આપી રહ્યા છે, તે નોંધપાત્ર છે. આપ સૌ કૃપા કરીને, સ્વાધ્યાયના આ શુદ્ધ બિંદુઓમાં રમણ કરાવી સ્વાધ્યાયશીલ બનાવો છો, તે અમારા માટે અતિ શુભ સુંદર અણમોલ અવસર છે....ઈતિ શુભમ્ !
જયંત મુનિ પેટરબાર