________________
[ ૧૫૬ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
તિર્યંચ નપુંસકોની કાયસ્થિતિ :- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. જેમ કે– કોઈ જીવ તિર્યંચ નપુંસકમાં અંતર્મુહૂર્ત રહીને, મૃત્યુ પામીને અન્ય ગતિમાં અન્ય વેદને પ્રાપ્ત કરે, તો જઘન્ય અંતર્મુહૂર્તની કાયસ્થિતિ ઘટિત થાય છે અને ઉત્કૃષ્ટ અનંતકાલની કાયસ્થિતિ સમુચ્ચય નપુંસકની જેમ વનસ્પતિની અપેક્ષાએ ઘટિત થાય છે.
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુકાયિક જીવો- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ પર્યત પૃથ્વી આદિ રૂપે રહી શકે છે. તે અસંખ્યકાલ, કાલની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી, અવસર્પિણી કાલ પ્રમાણ છે અને ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લોકના આકાશ પ્રદેશ પ્રમાણ છે.
વનસ્પતિકાયિક જીવો– જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ પર્યત વનસ્પતિરૂપે રહે છે. અહીં વનસ્પતિના સર્વ ભેદોનો સમાવેશ છે તેમ સમજવું.
બેઇજિય, ઈન્દ્રિય, ચૌરક્રિય- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતકાલ પર્યત બેઈન્દ્રિયાદિ રૂપે રહે છે. તે સંખ્યાતો કાલ સંખ્યાતા હજારો વર્ષ પ્રમાણ જાણવો.
પંચેન્દ્રિય તિર્યંચ નપુસક જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક (આઠ) ક્રોડપૂર્વ વર્ષ પર્યત તે જ રૂપે રહે છે. પંચેન્દ્રિય તિર્યંચ નપુંસક ક્રોડપૂર્વ વર્ષના આયુષ્ય સહિત નિરંતર આઠ ભવ કરી શકે છે. ગર્ભજ તિર્યંચ-મનુષ્ય પુરુષ નિરંતર આઠ ભવ કરી શકે છે. તેમાં આઠમો ભવ યુગલિકનો કરે તો ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાત ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ થાય છે, પરંતુ નપુંસકોમાં તિર્યંચ યુગલિક કે મનુષ્ય યુગલિક હોતા નથી, માટે આઠેય ભવ અયુગલિકપણાના થવાથી નપુંસક મનુષ્ય કે તિર્યંચની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ આઠ (અનેક) ક્રોડ પૂર્વવર્ષની થાય છે.
તે જ રીતે જલચર, ચતુષ્પદ સ્થલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચર નપુંસક તિર્યંચ પંચેન્દ્રિયની કાયસ્થિતિ પણ જાણવી. મનુષ્ય નપુંસક – જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક(આઠ) ક્રોડપૂર્વ વર્ષ પર્યત તે જ રૂપે રહે છે.
કર્મભૂમિના મનુષ્ય નપુંસકોની કાયસ્થિતિ- આ જ પ્રમાણે કર્મભૂમિના, ભરત, ઐરવત અને મહાવિદેહ ક્ષેત્રના મનુષ્ય નપુંસકની કાયસ્થિતિ જન્મની અપેક્ષાએ જાણવી. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષની કાયસ્થિતિ છે. જે સમુચ્ચય નપુંસકની જેમ ઘટિત થાય છે.
અકર્મભૂમિના મનુષ્ય નપુંસકોની કાયસ્થિતિ- જન્મની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક અંતર્મુહૂર્તની છે. તે સંમૂર્છાિમ મનુષ્યોની અપેક્ષાએ ઘટિત થાય છે. તે જીવ આઠ વાર તે જ રૂપે ઉત્પન્ન થાય તો આઠ(અનેક) અંતર્મુહૂર્તની કાયસ્થિતિ થાય છે. આઠ ભવથી વધુ ભવ મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિયમાં લગાતાર થતા નથી.
સહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વવર્ષની કાયસ્થિતિ છે. આ જ રીતે હેમવય, હરણ્યવય, હરિવાસ, રમ્યવાસ, દેવકુરુ, ઉત્તરકુરુક્ષેત્ર અને પ૬ અંતરદ્વીપના સંમૂર્છાિમ મનુષ્ય નપુંસકોની કાયસ્થિતિ પણ જાણવી. નપુંસકોનું અંતર - १०३ णपुंसगस्सणं भंते ! केवइयंकालं अंतर होइ? गोयमा !जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेण सागरोवमसयपुहुत्तं साइरेगं ।