________________
શ્રી રાયપસેણીય સૂત્ર
તે શ્રમણ-બ્રાહ્મા, ગુરુજનોનો વિનય સાચવતો નહીં, એટલું જ નહીં તે પોતાના દેશનો કારભાર પણ બરાબર ચલાવતો નહીં.
r
તેનો મિત્ર કહો, અમાત્ય કહો કે સારથિ કહો કે વડીલ ભ્રાતા કહ્યું, તેવો એક ચિત્ત નામનો સારધિ હતો. તે ચિત્ત, પ્રદેશી રાજાની આવી નાસ્તિકવાદી વિચારસરણી પ્રત્યે બહારથી ઉદાસીન લાગતો હતો. પણ અંદરથી તે રાજાને સમજાવવાનો અવસર શોધ્યા કરતો હતો.
એકવાર તે રાજકીય કાર્ય માટે કુણાલદેશની શ્રાવસ્તી નગરીમાં ગયો. ત્યાં પાર્શ્વનાથની પરંપરાના કેશી નામના શ્રમણ પધાર્યા. તેમના ધર્મોપદેશથી ચિત્તે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો, બારવ્રતોને ધારણ કર્યાં.
કેશી શ્રમણના સંપર્કથી ચિત્તને એમ લાગ્યું કે આ અણગાર પ્રદેશી રાજાને સમજાવવામાં, સુધારવામાં સમર્થ છે. જો રાજાનું હૃદય પરિવર્તન થાય, વૃત્તિમાં કોમળતા આવે, તો આખા દેશનું કલ્યાણ થાય અને દેશની સમસ્ત જનતા સુખનો શ્વાસ લઈ શકે; આવા વિચાર સાથે તેને કેશી શ્રમણને પ્રદેશી રાજાની અધાર્મિકતા અને તેના કારણે થતી દેશની દુર્દશાની કથની કહી અને શ્વેતાંબિકા પધારવાની વિનંતી કરી. તેની વારંવારની આગ્રહપૂર્ણ વિનંતીને લક્ષ્યમાં રાખી કેશીશ્રમણ શિષ્ય મંડળ સાથે યઘાવસરે શ્વેતાંબિકા પધાર્યા.
ચિત્તે કેશી શ્રમણને વંદન-નમસ્કાર કરી આદરપૂર્વક કહ્યું કે હું ગમે તે બહાને પ્રદેશી રાજાને આપની પાસે લઈ આવીશ. આપ અમારા રાજાને ધર્મ-અધર્મની સમજણ આપજો. જે સમજાવવું હોય તે નીડરપણે, અચકાયા વિના, ગ્લાન બન્યા વિના સમજાવજો.
એક દિવસ ચિત્તે તક જોઈને રાજાને અશ્વ પરીક્ષા માટે કહ્યું અને બંને ય જણા રથમાં બેસી નગરીથી બહાર નીકળ્યા. ચિત્તે રથને પૂરપાટ દોડાવ્યો અને રાજાને બહુ દૂર લઈ ગયો. રાજા ગરમી અને ધૂળથી એકદમ થાકી ગયા ત્યારે ચતુર અને સમયજ્ઞ ચિત્તે વિūત માટે જ્યાં કેશી શ્રમણ બિરાજમાન હતા, તે જ ઉદ્યાન પસંદ કર્યું.
ઉદ્યાનમાં બંને વિશ્રામ કરતા હતા. ત્યાં રાજાના કાને કેશી શ્રમણનો અવાજ અથડાયો. વિશ્રાંતિમાં ખલેલ પહોંચતા પ્રદેશીએ ચિત્તને પૂછ્યું– આટલા મોટે-મોટેથી આ કોણ અને શા માટે બરાડા પાડે છે ? ત્યારે ચિત્તે ઘણી જ નમ્રતાથી કેશી શ્રમણનો પરિચય આપ્યો અને તેમની વિદ્વત્તાની પ્રશંસા કરી. તે સાંભળી સરળ સ્વભાવી રાજા કેશી શ્રમણને મળવા ઉત્સુક થયા અને બંને કેશી શ્રમણ પાસે ગયા.
રાજાએ કેશીશ્રમણને કહ્યું કે આત્માને જાણવા, જોવા, શોધવા, પ્રાપ્ત કરવા મેં ઘણા પ્રયોગો કરી જોયા છે, પણ તે પ્રયોગોમાં મને નિષ્ફળતા મળી છે. હું આત્માને જોઈ શક્યો નથી. મારા તે પ્રયોગોના અંતે હું એ નિર્ણય પર આવ્યો છું કે શરીરથી જુદો કોઈ આત્મા નથી. આત્મા કહેવો જ હોય તો શરીરને જ આત્મા કહેવો પડશે. જે શરીર છે, તે જ આત્મા છે અને જે આત્મા છે તે જ શરીર છે. અનેક તર્કો દ્વારા પણ શરીર અને આત્મા એક છે, તે જ વાત સિદ્ધ થાય છે. આત્મા નથી તેથી પુણ્ય-પાપ, પુનર્જન્મ પણ નથી. પ્રદેશીએ કેશી શ્રમણ સમક્ષ દસ તર્કો-પ્રયોગો રજૂ કર્યા અને કેશી શ્રમણે દષ્ટાંત દ્વારા તે તર્ક—પ્રયોગોમાં જે-જે ભૂલ હતી, તેનો નિર્દેશ કરીને શરીરથી આત્મા ભિન્ન છે, તેવું સિદ્ધ કર્યું. (૧) પ્રદેશી– નરકે ગયેલા મારા દાદા મને અધર્મ ન આચરવાનું કહેવા આવતા નથી, માટે હું શરીર અને આત્માને એક માનું છું.