________________
રાયપસણીય સૂત્ર કથાસાર
મુખ્ય મહેલની ચારેય દિશામાં ચાર મહેલો અને તેના ફરતે અન્ય ચાર મહેલો છે. તે ચારે મહેલોની ફરતે ચાર મહેલો અને તેના ફરતે અન્ય ચાર મહેલો છે. આ રીતે મુખ્ય મહેલની ચોમેર કુલ રપ મહેલો પથરાયેલા છે.
| મુખ્ય મહેલની ઈશાનવિદિશામાં સુધર્માસભા છે. તે સુધર્માસભામાં પૂર્વ, દક્ષિણ અને ઉત્તર, આ ત્રણ દિશામાં ત્રણ દ્વાર છે. તે ત્રણે પ્રવેશદ્વાર સામે મુખમંડપ-પ્રવેશમંડપ છે. તે મુખમંડપમાં પણ ત્રણ દિશામાં ત્રણ દ્વાર છે. પ્રત્યેક મુખમંડપની આગળ પ્રેક્ષાગૃહ મંડપ છે અને તેની મધ્યમાં સિંહાસન છે. પ્રત્યેક પ્રેક્ષાગૃહ મંડપ સામે એક-એક સ્તૂપ છે, સ્તૂપ આગળ ચૈત્યવૃક્ષ, તેની આગળ માહેન્દ્રધ્વજ અને તેની આગળ નંદાપુષ્કરિણી છે.
તે સુધર્મસભાની અંદર પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં કુલ મળીને ૪૮000 બેસવાના ઓટલા અને તેટલી જ સૂવાની શય્યાઓ છે..
સુધર્મા સભાની મધ્યમાં માણવકસ્તંભ છે. તે સ્તંભ ઉપર અનેક શીકાઓ લટકે છે અને તે શીકાઓમાં જિનઅસ્થિ રાખેલા દાબડાઓ છે.
આ માણવક સ્તંભની પશ્ચિમમાં દેવશય્યા છે. દેવશધ્યાના ઈશાન કોણમાં માહેન્દ્રધ્વજ અને તેની પશ્ચિમમાં સૂર્યાભદેવનો શસ્ત્ર ભંડાર છે.
સુધર્મા સભાની ઈશાન વિદિશામાં સિદ્ધાયતન, તેની ઈશાન વિદિશામાં ઉપપાત સભા છે. તે ઉપપાત સભાની મધ્યમાં સૂર્યાભદેવની ઉત્પન્ન થવાની શ્વેત દેવદૂષ્યથી ઢંકાયેલી દેવશય્યા છે. ઉપપાત સભાની ઈશાન વિદિશામાં એક જળાશય છે. તે જળાશયની ઈશાન વિદિશામાં અભિષેક સભા છે, તેમાં અભિષેક સામગ્રીઓ છે. અભિષેક સભાની ઈશાન વિદિશામાં અલંકાર સભા છે. તેમાં સૂર્યાભદેવના અલંકાર- આભૂષણો છે. અલંકાર સભાની વિદિશામાં વ્યવસાય સભા છે. તેમાં સુભદેવના ધર્મ-ફરજ (કર્તવ્યો)ને સૂચવતું પુસ્તક રત્ન છે.
ચોથા આરાના અંતિમ ભાગમાં સૂર્યાભદેવ ઉપપાત સભાની દેવશયામાં ઉત્પન્ન થયા. નવા ઉત્પન્ન થયેલા સૂર્યાભદેવે જળાશયમાં સ્નાન કર્યું, અભિષેક સભામાં સામાનિક વગેરે દેવોએ તેમનો સૂર્યાભવિમાનના અધિપતિપણાનો અભિષેક કર્યો. અભિષિક્ત સૂર્યાભદેવ અલંકારસભામાં અલંકૃત થયા અને વ્યવસાય સભામાં પુસ્તકરત્ન વાંચી પોતાના કાર્યોથી માહિતગાર થયા અને સુધર્મા સભામાં આવીને સિંહાસનારૂઢ થયા અને યથાવસરે પ્રભુ મહાવીરસ્વામીના દર્શન કરવા આવી, દિવ્ય નાટકો બતાવ્યા.
સુર્યાભદેવની સ્થિતિ ચાર પલ્યોપમની છે. તેના ચાર હજાર સામાનિક દેવો છે. ચાર અગ્રમહિષીઓ ત્રણ પરિષદ, સાતસેના અને સાત તેના સેનાપતિ છે, સોળહજાર આત્મ રક્ષક દેવો છે. પૂર્વભવમાં આચરેલા તપ, વ્રત, સમતાદિ અનુષ્ઠાનોના ફળ સ્વરૂપે સૂર્યાભદેવને આ મહાન ઋદ્ધિ પ્રાપ્ત થઈ છે. આચરિત ધર્મારાધનાઓનું વર્ણન કરતાં ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ પ્રભુ સમક્ષ પ્રદેશી રાજાનું જીવન વર્ણવ્યું છે. દ્વિતીય વિભાગઃ પ્રદેશી રાજનો ભવઃ
કેકયાર્ધ દેશની શ્વેતાંબિકા નગરીમાં પ્રદેશ નામનો રાજા હતો. તે અધાર્મિક, ચંડ, રૌદ્ર, સાહસિક અને ઘાતક હતો. તે શરીરથી ભિન્ન આત્માના અસ્તિત્વને સ્વીકારતો ન હતો. મરણ પછી પુનર્જન્મ અને પુણ્ય-પાપજનક પ્રવૃત્તિ દ્વારા સુખ-દુઃખનું નિર્માણ થાય છે વગેરે કર્મ સિદ્ધાંતોમાં તે શ્રદ્ધા ધરાવતો ન હતો.