________________
શ્રી રાયપસેણીય સૂત્ર
પ્રભુની દેશના (ઉપદેશ) સાંભળીને પછી પોતે પૂછેલા અને ભગવાને આપેલા ઉત્તર દ્વારા પોતે ભવ્ય, સમ્યગ્દષ્ટિ, પરિત્ત સંસારી, સુલભબોધિ, આરાધક અને ચરમ છે, તેવું જાણીને અત્યંત આનંદિત થયા. ભક્તિવશાત્ ગૌતમાદિ અણગારોને પોતાની દિવ્યઋદ્ધિ બતાવવા સૂર્યાભદેવે પોતાની બંને ભુજામાંથી ૧૦૮ દેવકુમારો અને ૧૦૮ દેવકુમારિકાઓ બહાર કાઢી અને વાજિંત્રોના નાદ, તાલ સાથે ૩ર પ્રકારના નાટક બતાવ્યા. તેમાં અષ્ટમંગલ, ક, ખ વગેરે નાટકોમાં તે દેવકુમારો અને દેવકુમારીકાઓએ તે-તે આકારે ગોઠવાઈને અભિનયો કર્યા અને સૂર્યોદય-ચંદ્રોદય વગેરે નાટકોમાં તે-તે દશ્યો પ્રગટ કર્યા. બત્રીસમા નાટકમાં ભગવાન મહાવીર સ્વામીના પૂર્વભવો અને અંતિમ ભવના જન્મથી નિર્વાણ પર્યંતની જીવન ઘટના તાદશ કરી બતાવી. ત્યાર પછી સૂર્યાભદેવે પોતાની આ ઋદ્ધિને સંકેલી લીધી અને પોતાના પરિવાર સાથે પ્રભુને વંદન કરી, દિવ્ય યાન-વિમાનમાં બેસી પાછા ફર્યા.
૨
સૂર્યાભદેવ અને સૂર્યાભવિમાન વિશે ગૌતમસ્વામીની જિજ્ઞાસા પૂર્ણ કરવા ભગવાને સૂર્યાભ વિમાનનું વર્ણન કર્યું.
સૂર્યાભવિમાનનું સ્થાન :– ઊર્ધ્વલોકમાં સૌધર્મકલ્પ નામના પ્રથમ દેવલોકના ૩૨ લાખ વિમાનોની મધ્યમાં પાંચ શ્રેષ્ઠ વિમાનો છે. ચાર દિશામાં અશોકાવતંસક, સપ્તપર્ણાવતંસક, ચંપકાવતંસક, આમ્રાવતંસક અને તે ચારની મધ્યમાં સૌધર્માવતંસક વિમાન છે. તે સૌધર્માવતંસક વિમાનની પૂર્વદિશામાં તિરછા અસંખ્યાત યોજન દૂર સાડાબાર લાખ યોજન લાંબુ-પહોળું સૂર્યાભવિમાન સ્થિત છે.
દરવાજાઓ :– તે સૂર્યભવિમાનની ચારે બાજુ ૩૦૦ યોજન ઊંચો કોટ છે. તે સૂર્યાભવિમાનની ચારેબાજુ હજાર-હજાર શ્વેતવર્ણી દરવાજાઓ છે. તે ચાર હજાર દરવાજાઓમાં પ્રત્યેક દરવાજાની બંને બાજુએ ૧૬-૧૬ બેઠકો અને તે બેઠકો ઉપર ૧૬-૧૬ની સંખ્યામાં હારબંધ ચંદન કળશો, ખીંટીઓ પર લટકતી લાંબી માળાઓ, ધૂપપાત્ર મૂકેલા શીકાઓ, પૂતળીઓ, ઝરુખાઓ, ઘંટાઓ, વનરાજીઓ, મહેલો અને તોરણો છે.
તે તોરણોની આગળ બે-બેની સંખ્યામાં અશ્વાદિ યુગલો, પદ્માદિલતાઓ, દિશાસ્વસ્તિકો, ઝારીઓ, અરીસાઓ, ચોખા ભરેલા હોય તેવા દેખાતા વજનાભ થાળો; ફળાદિ ભરેલા હોય તેવા દેખાતા પાત્રો, ઔષધિ ભરેલી હોય તેવા દેખાતા શકોરાઓ, જેમાં કોરા ઘડા મૂકેલા છે તેવા લટકતા શીકાઓ, રત્નકરંડિયાઓ, અશ્વકંઠો, પુષ્પાદિની છાબડીઓ, તેના ઢાંકણાઓ, સિંહાસનો, છત્રો, ચામરો, તેલાદિના પાત્રો મૂકેલા છે.
સૂર્યાભવિમાનના તે ચાર હજાર દરવાજાઓ પર ચક્ર-ધ્વજાદિ ૧૦૮૦ ધ્વજાઓ લહેરાતી રહે છે. તે દરવાજાઓ ઉપર પાંસઠ-પાંસઠ ભવનો છે.
વનખંડો ઃ– સૂર્યભવિમાનની ચારે દિશામાં ૫૦૦ યોજનના વિસ્તારવાળા ચાર વનખંડો છે. તે વનખંડોમાં અનેક વાવડીઓ, પુષ્કરિણીઓ, નદીઓ, સરોવરો છે. તેમાં ઉત્પાત પર્વત, નિયતિ પર્વત, જગતી પર્વત, દારુપર્વતાદિ છે. તે જળાશયોમાં જળમંડપ, જળમહેલાદિ છે. તે પર્વતો ઉપર હંસાસનાદિથી યુક્ત હિંડોળાઓ છે. તે વનખંડોમાં આલીગૃહો, કદલીગૃહો વગેરે અનેક પ્રકારના ગૃહો અને અનેક પ્રકારના લતામંડપો છે. તે ગૃહો અને મંડપોમાં વિવિધ આકારવાળી, કોમળ સ્પર્શવાળી શિલાઓ છે. સૂર્યાભવિમાનવાસી દેવ-દેવીઓ ત્યાં ફરે છે, રમણ કરે છે, વિશ્રામ કરે છે. તે ચારે ય વનખંડમાં તેના અધિપતિ દેવોના શ્રેષ્ઠ મહેલ છે. વનખંડમાં વર્ણિત વનસ્પતિ સૂચક સર્વે ય પદાર્થો રત્નાદિમય પૃથ્વીકાયના છે. સુધર્માદિ પાંચ સભા :– સૂર્યભવિમાનની બરોબર મધ્યમાં સૂર્યાભદેવનો મુખ્ય અને ઉત્તમ મહેલ છે.