________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા માણસ ખટમીઠી પીપરને મમળાવવામાં અનેરી લિજ્જત અને આનંદ અનુભવે છે. કથાઓ ખટમીઠી પીપર જેવી છે. તેને જેમ-જેમ ચગળવામાં આવે તેમ-તેમ, તે મનને તાજગી તથા પ્રસન્નતાથી અને જીવનને રસ, ઉત્સાહ અને જીવંતતાથી ભરી દે છે. તેનું આસ્વાદન રસાળ છે. ધર્મકથાઓ તત્ત્વજ્ઞાનને અને બોધને રસાળ જ નહીં સુપાચ્ય બનાવે છે.
શ્રી રાજપ્રશ્રયસૂત્ર કથાસૂત્રોમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અન્ય કથાસૂત્રો નવલિકા સંગ્રહ જેવા છે, જ્યારે પ્રસ્તુત સૂત્ર નવલકથા જેવું છે. તેમાં એક રાજાની સળંગ ભવકથા છે.
વાચકો માટે કથાસૂત્રો વાંચવા અને સમજવા સરળ છે તે જ રીતે કથાસૂત્રોનું અનુવાદ કાર્ય પણ દ્રવ્યાનુયોગ નિરૂપક સૂત્રો કરતાં સરળ રહે છે, પરંતુ આ કથાસૂત્રમાં આવતા કેટલાક વિવાદાસ્પદ સુત્ર પાઠોના કારણે તેનું સંપાદન કાર્ય થોડું જટિલ બની જાય છે. પ્રસ્તુત આગમના સંપાદનમાં આચાર્ય મલયગિરિસૂરિજીની સંસ્કૃત ટીકાનો આધાર મુખ્ય રહ્યો છે.
સૂર્યાભવિમાનના વર્ણનમાં ચૈત્ય સ્તૂપોની ચારે દિશામાં ચાર-ચાર એક સમાન જિનપ્રતિમા હોવાનો ઉલ્લેખ છે. તેના નામ અને અવગાહનામાં વિસંગતિ જણાય છે. દેવલોકની પ્રતિમાઓ શાશ્વતી હોય, ત્યાં ભરત-ઐરાવત ક્ષેત્રના પ્રથમ અને અંતિમ તીર્થકરોની પ્રતિમા હોય તે કેમ સંભવે? ભરત-ઐરવત ક્ષેત્રના તીર્થકરો તો અશાશ્વતા છે. તદુપરાંત પ્રથમ તીર્થકર શ્રી ઋષભજિન ૫૦૦ ધનુષ્ય અને ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરજિન સાત હાથ ઊંચા હતા, તો એક સરખી ચારે ય પ્રતિમાની ઊંચાઈ કયા જિન તુલ્ય સમજવી? આ રીતે તેના નામ અને અવગાહનામાં સુસંગતિ જણાતી નથી. તેમજ પ્રતિમાને દાંત, તાળવું ખોપરી જેવા શરીરના અંદરના અવયવો હોય નહીં, આ પ્રતિમાના વર્ણનમાં દાંત, તાળવું, ખોપરી વગેરેનું વર્ણન છે. વૃત્તિ આ બાબતમાં મૌન છે આ રીતે ઉપરોકત વર્ણનમાં કંઈક અસંગતતા પ્રતીત થવાથી અમોને (પૂ. તિલોકમુનિ મ.સા., પૂ. લીલમબાઈ મ. તથા બંને સહસપંચિકાઓ) આ સૂત્ર પાઠ પ્રક્ષિપ્ત હોય તેમ જણાતા, તેને કૌંસમાં ઇટાલિયન ટાઈપથી મૂક્યો છે.
T