________________
શ્રી વિપાક સૂત્ર
કર્યા. અસમયે આવવાનું કારણ પૂછ્યું. ગૌતમ સ્વામીએ તેના પુત્રને જોવાની ભાવના વ્યક્ત કરી. મૃગારાણીએ પોતાના ચાર કુમારોને ઉપસ્થિત કર્યા. ગૌતમ સ્વામીએ સ્પષ્ટતા કરી કે આ પુત્રોનું મારે પ્રયોજન નથી પણ ભોંયરામાં રહેલા પ્રથમ પુત્રને જોવો છે. મૃગારાણીએ સાશ્ચર્ય પૂછ્યું કે આ ગુપ્ત વાતનું રહસ્ય આપને કોના દ્વારા જાણવા મળ્યું? ગૌતમ સ્વામીએ કહ્યું કે સર્વજ્ઞ, સર્વદર્શી મારા ધર્મગુરુ, ધર્માચાર્ય, ભગવાન મહાવીર સ્વામી દ્વારા મને આ જાણવા મળ્યું છે.
મૃગારાણીએ ભોજનની સામગ્રી ગાડીમાં (ટ્રોલીમાં) ગોઠવી. ગૌતમ સ્વામીને સાથે લઈને તે ભોંયરા પાસે પહોંચી. મોઢા ઉપર અર્થાતુ નાક ઉપર ચાર પડવાળા વસ્ત્રને બાંધ્યું અને ગૌતમ સ્વામીને કહ્યું કે તમે પણ આ મુખવસ્ત્રિકાથી (મોઢા પર બાંધેલ વસ્ત્રથી) નાકને ઢાંકી લ્યો. ગૌતમ સ્વામીએ મોઢા પર બાંધેલી મુખવસ્ત્રિકાથી નાક ઢાંકર્યું. ત્યારપછી મૃગારાણીએ દરવાજો ખુલતા જ ચારે બાજુ અસહ્ય દુર્ગધ ફેલાવા લાગી. મૃગારાણીએ પુત્રની પાસે આહાર મૂક્યો કે તરત જ ખૂબ આસક્તિથી, શીઘ્રતાથી તે આહારને ખાઈ ગયો. તત્કાલ તે આહાર રસી અને લોહીના રૂપમાં પરિણમન પામીને બહાર આવ્યો; તેને પણ તે ચાટી ગયો. આ રૂંવાટા ઉભા કરી દે તેવું બીભત્સ અને દયનીય દશ્ય જોઈ ગૌતમસ્વામી પાછા આવ્યા અને ભગવાનને તેની દુર્દશાનું કારણ પૂછ્યું. ત્યારે ભગવાને તેનો પૂર્વભવ કહ્યો
ઈકાઈ રાઠોડ :
ભારતવર્ષમાં વિનયવર્ધમાન નામના ખેડનો શાસક 'ઈકાઈ નામનો રાષ્ટ્રકૂટ(રાઠોડ) હતો. આ રાષ્ટ્રકૂટ અત્યંત અધર્મી, અધર્માનુયાયી, અધર્મનિષ્ઠ, અધર્મદર્શી, અધર્મનું પોષણ કરનારો અને અધર્માચારી હતો. આદર્શ શાસકમાં જે વિશેષતા હોવી જોઈએ તેમાંની એક પણ તેનામાં ન હતી. એટલું જ નહિ, તે દરેક રીતે ભ્રષ્ટ અને અધમ શાસક હતો. પ્રજાને વધુમાં વધુ પીડવામાં આનંદ માનતો હતો. તે લાંચ લેતો હતો અને નિરપરાધી લોકો ઉપર ખોટા આરોપ મૂકી તેમને પરેશાન કરતો હતો, પાપકૃત્યોમાં તલ્લીન રહેતો હતો.
તીવ્રતર પાપકર્મોનાં આચરણથી તેને તાત્કાલિક ફળ એ મળ્યું કે તેના શરીરમાં અસાધ્ય સોળ મહારોગ ઉત્પન્ન થયા. આ રોગોનાં કારણે દુર્ગાનમાં મૃત્યુ પામી તે પાપનાં ફળને ભોગવવા માટે પહેલી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયો. નરકમાં એક સાગરોપમનું આયુષ્ય ભોગવ્યા પછી મૃગાપુત્ર રૂપે તેણે જન્મ ધારણ કર્યો છે.
મૃગાપુત્રના ભૂતકાળની આ કથા સાંભળીને ગૌતમ સ્વામીએ તેના ભવિષ્ય માટે પૂછયું, ત્યારે ભગવાને મૃગાપુત્રનું ભવિષ્ય બતાવતાં કહ્યું કે(૧) અહીં ૨૬ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તે પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. (૨) એક સાગરોપમ નરકનું આયુષ્ય ભોગવી સિંહરૂપે ઉત્પન્ન થશે. (૩) ત્યાર પછી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે.