________________
છે– વિશિષ્ટ અને વિવિધ પ્રકારના પાક(કર્મફલ)નું નામ 'વિપાક' છે. કષાયોની તીવ્રતા, મંદતા આદિ રૂપ ભાવાશ્રવના ભેદથી વિશિષ્ટ પાકનું થવું તે "વિપાક" છે અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ રૂપ નિમિત્ત ભેદથી ઉત્પન્ન થયેલ વિશ્વ સંબંધી અનેક પ્રકારનો પાક 'વિપાક' છે. આચાર્ય હરિભદ્રે અને આચાર્ય અભયદેવે વૃત્તિમાં વિપાકનો અર્થ લખ્યો છે કે—– પુણ્ય અને પાપ કર્મોનું ફળ, તે વિપાક છે અને કથા રૂપમાં તેનું પ્રતિપાદન કરનાર સૂત્ર તે વિપાક સૂત્ર છે.
સમવાયાંગમાં વિપાકનો પરિચય આ પ્રમાણે આપ્યો છે કે– વિપાક સૂત્ર સુકૃત અને દુષ્કૃત કર્મોનાં ફળ–વિપાકને દર્શાવનારું આગમ છે. તેના સુખવિપાક અને દુઃખવિપાક એમ બે વિભાગ છે. નંદી સૂત્રમાં આચાર્ય દેવવાચકે વિપાકનો આ પ્રમાણે જ પરિચય આપ્યો છે. સ્થાનાંગ સૂત્રમાં વિપાક સૂત્રનું નામ કર્મવિપાકદશા આપેલ છે. સમવાયાંગ સૂત્ર પ્રમાણે વિપાકના બે શ્રુતસ્કંધ છે, વીસ અધ્યયન છે, વીસ ઉદ્દેશનકાલ છે, વીસ સમુદ્દેશનકાલ છે, સંખ્યાત પદ, સંખ્યાત અક્ષર, પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત વેઢ નામના છંદ, સંખ્યાત શ્લોક, સંખ્યાત નિર્યુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. વર્તમાનમાં જે વિપાક સૂત્ર ઉપલબ્ધ છે તે ૧૨૧૬ શ્લોક પરિમાણ માનેલ છે.
સ્થાનાંગમાં પ્રથમ શ્રુતસ્કંધના દસ અધ્યયનોનાં નામ આપ્યાં છે પરંતુ બીજા શ્રુતસ્કંધનાં અધ્યયનોનાં નામ ત્યાં આપ્યાં નથી. વૃત્તિકારનો એ અભિપ્રાય છે કે બીજા શ્રુતસ્કંધનાં અધ્યયનોની ચર્ચા અન્યત્ર કરેલ છે. પ્રથમ શ્રુતસ્કંધનું નામ "કર્મવિપાકદશા"
છે.
સ્થાનાંગ પ્રમાણે કર્મવિપાકદશાનાં અધ્યયનોનાં નામ આ પ્રમાણે છે— (૧) મૃગાપુત્ર (૨) ગોત્રાસક (૩) ખંડ (૪) શકટ (૫) બ્રાહ્મણ (૬) નંદિષણ (૭) શૌરિક (૮) ઉદુંબર (૯) સહસ્રોદ્દાહ આભરક (૧૦) કુમાર લિચ્છઈ. ઉપલબ્ધ વિપાકના પ્રથમ શ્રુતસ્કંધનાં અધ્યયનોનાં નામ આ પ્રમાણે છે—
(૧) મૃગાપુત્ર (૨) ઉજ્ઝિતક (૩) અભગ્નસેન (૪) શકટ (૫) બૃહસ્પતિદત્ત (૬) નંદિવર્ધન (૭) ઉંબરદત્ત (૮) શોરિકદત્ત (૯) દેવદત્તા (૧૦) અંજૂ.
સ્થાનાંગમાં જે નામ આપ્યાં છે અને વર્તમાનમાં જે નામ ઉપલબ્ધ છે તેમાં કંઈક અંતર છે. વિપાક સૂત્રમાં કેટલાંક નામ વ્યક્તિ પરથી છે તો કેટલાંક નામ વસ્તુ પરથી અર્થાત્ ઘટના–પ્રસંગ પરથી છે. સ્થાનાંગમાં જે નામ આપ્યાં છે તે માત્ર
37