________________
હકીકતમાં આ જાતની કૌટુંબિક રચનામાં અને તે કાળમાં વાસના ઓછી હતી અને ધર્મ ઉપાસના પ્રતિ આકર્ષણ વિશેષ હતું. બહુપત્નીત્વની પ્રથા ઘણી જ પ્રચલિત હતી. તે સમયના વૈભવશાળી અને સંપતિશાળી માણસો બહુ પત્નીથી પોતાનું ગૌરવ સમજતા. અંતઃપુરમાં વધુ રાણીઓ અથવા વધારે અર્ધાંગનાઓ હોય તો સમાજમાં તેને ઘણું મહત્ત્વ મળતું. આ ઉપરાંત બીજી હકીકત એ છે કે આવા સંપતિશાળી માણસોને ત્યાં દીકરી આપવામાં, દીકરીના પિતા વગેરે પણ પોતાનું ગૌરવ સમજતા.
પરંતુ જૈનશાસ્ત્રમાં બહુપત્નીત્વના રિવાજોને મહત્વ આપ્યું નથી. સમાજમાં જે પ્રથા હતી તેનો ઉલ્લેખ માત્ર કર્યો છે અને જે વૈભવશાળી વ્યક્તિઓ તેનો ત્યાગ કરતાં અથવા વિરક્ત થઇ ચાલી નીકળતા, તેને જ મહત્ત્વ આપ્યું છે. ઘણી વખત આ પત્ની સમુદાય પણ વિરક્ત થઇ પતિની સાથે સાધુ જીવન સ્વીકારી લેતા. આ રીતે ત્યાગ માર્ગ પર ચાલી એક નવું દષ્ટાંત ઉપસ્થિત કરવામાં આવતું હતું. શાસ્ત્રમાં આવી સંપતિનો ત્યાગ કરવામાં જ તે જીવના પુણયનો મહિમા ગવાતો હતો.
હકીકતમાં બહુ પત્ની હોવી તેને કોઈ ખાસ પુણ્યનું ફળ માનવામાં આવતું નહીં પરંતુ તેનો ત્યાગ કરવો તેને જ મહાપુણ્ય માનવામાં આવતું હતું. ટૂંકમાં કહેવાનું એ છે કે આ પ્રથા બહુ આદરણીય નથી પરંતુ તે સમયના ઇતિહાસનું થોડું દર્શન કરાવે છે.
વિપાક શાસ્ત્ર ઉપર આટલું મોટું સંપાદન કરી, જે તપયજ્ઞ રાજકોટમાં ચાલી રહ્યો છે, તેમાં જોડાયેલા સાધ્વીજીવંદોએ એક અદ્ભુત પુરુષાર્થ કર્યો છે. અત્યાર સુધી આવા શાસ્ત્ર સંપાદનના ભગીરથ કાર્યો વિદ્વાન સાધુ મહાત્માઓ તથા આચાર્ય ભગવંતો પૂરુ કરતાં હતાં પરંતુ સ્થાનકવાસી સમાજમાં આ પ્રથમ દાખલો છે કે પંચમહાવ્રતધારી સાધ્વીજીઓએ આ મહાયજ્ઞનું નેતૃત્વ સંભાળ્યું છે. શ્રી લીલમબાઇ મહાસતીજી જેવા શાણા સતીજીએ સાધ્વીજી સમુદાય માટે એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે અને સાધ્વી સમુદાયના જ્ઞાનાત્મક પુરુષાર્થમાં સતીજીઓનું નામ જોડી શ્રમણી વર્ગનું મસ્તક ઊચું કર્યું છે. સામાન્ય સાધ્વીજીનો માતૃવર્ગ તપસ્યામાં અનુરક્ત રહી જ્ઞાનાત્મક આરાધનામાં આગળ વધી શક્યો ન હતો પરંતુ રાજકોટના આ જ્ઞાન યજ્ઞમાં સાધ્વીજીએ પુરુષાર્થ કરી કરવટ બદલી છે અને આગળ આવા વિદુષી રત્ના આત્માઓને પ્રેરણા પણ આપી છે. એટલે આ સ્થાને આ અનુપમ કાર્ય માટે ભાવાત્મક પુષ્પોની માળા અર્પણ કરતાં અપૂર્વ આનંદાનુભૂતિ થાય છે.
- પૂ. જયંતમુનિ મ. સા.
પેટરબાર.