________________
પૂર્ણ વ્યાખ્યા કર્યા વિના અને તેનો અધ્યાહાર સમજ્યા વિના સિધ્ધાંતને એકાંત સ્થાપિત કરવામાં આવે છે.
कडाण कम्माण ण मोक्खो अत्थि, जई जीवन परक्कमेजा।
આ પાછળનું અધું વાક્ય ઉપદેશ આપતા આપણા સાધુ સંતો બોલતા નથી. આખા સૂત્રનો ભાવ આ પ્રમાણે છે - કરેલાં કર્મો ભોગવવા પડે છે, જો જીવ પરાક્રમ ન કરે તો. કોઇ એમ કહે કે આખું આ ખેતર ઘાસ, કાંટા આદિથી બરબાદ થઇ જશે, જો ખેડૂત તેને સારી રીતે ખેડશે નહીં તો. તે જ રીતે આ આખું મકાન ધૂલી - ધૂંસરથી ગોબરું થઈ જશે, જો તેને સાફ નહીં કરવામાં આવે તો. આ પહેરેલાં કપડા બદબૂ મારશે જો તેને ધોવામાં નહીં આવે તો. તે જ રીતે જીવને કરેલા કર્મો ભોગવવા પડશે, જો તે ઉચ્ચ કોટિના તપ - સંયમની આરાધના નહીં કરે તો. અહીં વિપાક શાસ્ત્રોના જે પાત્રો છે તેઓએ ઘણા માઠા કર્મો કર્યા પછી કોઇપણ પ્રકારની આરાધનાનો અવસર લીધો નહીં અને તેના પરિણામે આ કર્મો વિપાક પામ્યા અર્થાત વિશેષ પ્રકારે પરિપકવ થયા. તીવ્ર ભાવે ફળ આપી શકે તેવી સ્થિતિમાં આવ્યા, તેથી શાસ્ત્રકારે ‘વિપાક' નામ આપ્યું અને કર્મ સિધ્ધાંતની મહત્તા પ્રગટ કરી.
જનસમૂહમાં અથવા જીવનમાં જે કાંઇ મુખ્ય તત્ત્વ છે તે કર્મ છે અને કર્મના ફળાફળનો વિચાર કરવો અથવા કર્મનું શુભાશુભત્ત્વવિચારીને શુભ કર્મો પ્રત્યે મનુષ્ય પગલા ભરે, તે સમગ્ર માનવજાતિના હિતમાં જ છે. આખું નીતિશાસ્ત્ર પણ શુભકર્મ કરવાની પ્રેરણા આપે છે. મનુષ્ય પાપકર્મથી નિવૃત્ત થાય અને માનવ માનવીય ભાવથી જીવતા શીખે, તીવ્ર, કઠોર પાપકર્મથી બચે, તે વિપાકસૂત્રનું લક્ષ્ય છે, તેના આધારે જે આ કથાઓ ઉદ્ભવી છે, તે ઘણી જ મહત્ત્વપૂર્ણ છે. અહીં વિશેષ વાતનું સ્પષ્ટીકરણ કરી આમુખ પૂર્ણ કરશું.
જૈનશાસ્ત્રોમાં ઘણાં પુણ્યશાળી જીવો, રાજકુમારો, શ્રેષ્ઠી કુમારો, તે બધાં પાત્રોમાં બહુપત્નીતત્ત્વનો ભારોભાર ઉલ્લેખ છે. એક એક પુરુષને ઘણી ઘણી પત્નીઓ હતી. તે તેમની પુણ્યલીલાઓ પુણ્યફળ રૂપે સ્વીકારવામાં આવી હોય તેવી ગણના છે. શું પુણ્યનો આવો કોઇ પ્રકાર હોઈ શકે ? એક પુરુષ ઘણી પત્ની પ્રાપ્ત કરે તો તે પુણ્યશાળી છે? અહીં આપણે સમજવાનું છે કે જે કથાઓ આલેખાયેલી છે તે તે કાળના પ્રચલિત રિવાજોના આધારે તે પાત્રનું આલેખન છે. જેમ સુખવિપાકમાં સુબાહુકુમારને ૫૦૦ પત્નીઓ હતી.