________________
સંપાદકીય
અપૂર્વ શ્રુતઆરાધક ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ.
પ્રિય પાઠક,
આજે અમને આનંદ છે કે, તમારી સામે ગણધર રચિત અગિયારમું અંગ સૂત્ર, શ્રી વિપાક સૂત્ર બહાર પડી રહેલ છે. વિપાક શબ્દ જ સરળતાથી સમજાય તેવો છે. જેમ કાચી કેરી કે કેળા દાબામાં નાખ્યા હોય અને અમુક સમય પછી બરાબર પાકી જાય છે, વધારે સમય રાખીએ તો ચાંદા પડી જાય છે, સડી–ગળી જાય છે, તેવી જ રીતે આપણે પ્રશ્નવ્યાકરણમાં આશ્રવના ભેદ-પ્રભેદ જાણ્યા. આશ્રવનો અર્થ જ આવવું છે. જેમ આવે તેમ જાય પણ ખરા, તેનું નામ ગમન છે. આવવું = આગમન, જવું = ગમન, બંને મળતાં ગમનાગમન થઈ ગયું. કોઈ વચ્ચે કદાચ રોકી દે તો ત્યાં સ્થિત પણ થઈ જાય છતાં તેનો સ્થિત થવાનો કાળ બે સમયથી માંડી અસંખ્યાતકાળનો છે. આવવું અને જવું તે કોણ કરી શકે? તે સવાલનો જવાબ છે-છ દ્રવ્યમાં એક પુદ્ગલ રૂપી દ્રવ્યમાં જ આ સ્વભાવ છે. તે આખા લોકમાં ગમનાગમન કર્યા જ કરે છે. પોતાનું અસ્તિત્વ કાયમ રાખીને પર્યાયરૂપમાં પલટાયા કરે છે. જેની જેની સાથે સંયોગ કરે તે રીતે પ્રગટ થાય છે. ગળવું, મળવું તે તેનો સ્વભાવ છે. જીવની સાથે સંયોગ કરે અને આત્મા અસંખ્યાત પ્રદેશ દ્વારા તેને રોકવાના ભાવ દેખાડે, આમંત્રણ આપે તો પ્રેમથી રોકાઈ જાય છે, આમંત્રણ સ્વીકારે છે. પરદ્રવ્યને આમંત્રણ આપવાનો અધ્યવસાય કરવો તે જીવના સ્વભાવનો વિભાવ છે, તેનું નામ જ 'પરભાવ' અથવા 'વિભાવ' કહેવાય છે. આવા આમંત્રણનો સ્વીકાર કરી અસંખ્યાત આત્મપ્રદેશમાં પુદ્ગલ પરમાણુઓ સંયોગ સંબંધથી રહી જાય તેનું નામ 'કર્મ' કહેવાય છે. તે કર્મ દ્વારા નવા કર્મને ખેંચીને સમૂહ રૂપમાં ગોઠવાઈ જવું જ્ઞાનાવરણાદિના રૂપમાં આઠ વિભાગમાં વહેંચાઈ જવું તેનું નામ 'કાર્પણ શરીર' કહેવાય છે. ગોઠવવાની ક્રિયાના રૂપમાં રચના કરી બધાનો સમાવેશ કરવા પૂરા આત્મપ્રદેશનો કબજો લઈ ઢાંકવાનો ભરચક પ્રયત્ન કરવો તેનું નામ તૈજસ