________________
| ૨૧૮ |
શ્રી વિપાકે સૂત્ર
ગમે તેટલાં બળવાન હોય તો પણ આત્મા તેનાથી પણ વધારે શક્તિશાળી છે.
લૌકિક દૃષ્ટિએ પથ્થર કઠોર છે અને પાણી મુલાયમ છે પરંતુ કોમળ પાણી પથ્થરના પણ ટુકડે ટુકડા કરી નાખે છે. કઠોર શિખરોને પણ ભેદી નાંખે છે. એ જ પ્રમાણે આત્માની શક્તિ કર્મથી વધારે છે. આત્માને પોતાની વિરાટ શક્તિનું જ્ઞાન નથી ત્યાં સુધી કર્મોને પોતાનાથી વધારે બળવાન માનીને તેનાથી દબાતો રહે છે અને જ્યારે જ્ઞાન થઈ જાય ત્યારે તેનાથી મુક્ત બની શકે છે. (૨૮) ઈશ્વર અને કર્મવાદ :
જૈનદર્શનનું આ સ્પષ્ટ મંતવ્ય છે કે જીવ જેવાં કર્મ બાંધે છે તેવાં જ તેને ફળ સ્વતઃ મળે છે. ન્યાયદર્શનની જેમ તે કર્મફળના નિયત્તા, દાતા, ઈશ્વરને નથી માનતો. કર્મફળનું નિયમન કરવા માટે ઈશ્વરની આવશ્યકતા નથી. કર્મ પરમાણુઓમાં જીવાત્માના સંબંધથી એક વિશિષ્ટ પરિણામ સમુત્પન્ન થાય છે તેથી તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ગતિ, સ્થિતિ, પ્રભૂતિ, ઉદયને અનુકૂળ સામગ્રીથી વિપાક દેવામાં સમર્થ થઈને આત્માના સંસ્કારોને મલિન બનાવે છે તેથી તેના ફળ ભોગવાય છે. અમૃત અને વિષ, પથ્ય અને અપથ્ય ભોજનનું જ્ઞાન ન હોવા છતાં પણ આત્મા સાથે સંયોગ થવા પર તે પોતપોતાની પ્રકૃતિને અનુકુળ વિપાક ઉત્પન્ન કરે છે. તે કોઈની પણ પ્રેરણા વિના અને કાંઈ પણ જ્ઞાન વિના પોતાનું કાર્ય કરે જ છે. પોતાનો પ્રભાવ પાડે જ છે.
જેવી રીતે ગણિત કરનાર મશીન જડ હોવા છતાં પણ અંક ગણવામાં ભૂલ ન કરે એ જ પ્રમાણે કર્મ પણ જડ હોવા છતાં ફળ દેવામાં ભૂલ કરતાં નથી. તેને માટે ઈશ્વરને નિયંતા માનવાની જરૂર નથી. ઈશ્વર પણ અંતે તો તે જ ફળ આપે; જીવે જેવાં કર્મ બાંધ્યાં હોય તે કર્મથી વિપરીત તે કાંઈ પણ આપવા સમર્થ નથી. આ પ્રમાણે એક બાજુ ઈશ્વરને સર્વ શક્તિમાન માનવા અને બીજી બાજુ તેને અણુ માત્રના પરિવર્તનનો અધિકાર ન આપવો તે ખરી રીતે તો ઈશ્વરનો ઉપહાસ છે. તેથી એ પણ સિદ્ધ થાય છે કે કર્મની શક્તિ ઈશ્વરથી પણ વધારે છે અને ઈશ્વર પણ તેને આધીન રહીને જ કાર્ય કરે છે. બીજી દષ્ટિએ જોઈએ તો કર્મમાં પણ કાંઈ જ કરવાની શક્તિ નથી કારણ કે તે ઈશ્વરના આધારે જ પોતાનું ફળ આપી શકે છે. આ પ્રમાણે બંને પરસ્પર આધીન રહેશે. આના કરતાં તો આ જ તર્કસંગત છે કે કર્મને જ પોતાનું ફળ આપનાર સ્વીકારી લઈએ તેથી ઈશ્વરનું ઈશ્વરત્વ પણ અક્ષણ રહેશે અને કર્મવાદના સિદ્ધાંતમાં પણ કોઈ વિરોધ આવશે નહીં. જૈન સંસ્કૃતિની ચિંતનધારા આ જ કથનનું સમર્થન કરે છે. (૨૯) કર્મમાં સંવિભાગ થતો નથી :
વૈદિકદર્શનનું મંતવ્ય છે કે આત્મા સર્વ શક્તિમાન ઈશ્વરના હાથની કઠ પુતળી છે. તેનામાં સ્વયં કિંઈ પણ કાર્ય કરવાની ક્ષમતા નથી. સ્વર્ગ અને નરકમાં મોકલનાર, સુખ અને દુઃખનો દાતા ઈશ્વર છે. ઈશ્વરની પ્રેરણાથી જ જીવ સ્વર્ગ અને નરકમાં જાય છે.
જૈનદર્શનના કર્મસિદ્ધાંતે આ કથનનું ખંડન કરતાં કહ્યું છે કે ઈશ્વર કોઈનું ઉત્થાન કે પતન કરનાર નથી. તે તો વીતરાગ છે. આત્મા જ પોતાનું ઉત્થાન અને પતન કરે છે. જ્યારે આત્મા સ્વભાવદશામાં રમણ કરે છે ત્યારે ઉત્થાન કરે છે અને જ્યારે વિભાવદશામાં રમણ કરે છે ત્યારે તેનું પતન થાય છે.