________________
[ ૪૪ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
કેટલાક લોકો લોભથી, ક્રૂરતાથી અને સ્વાર્થથી હિંસક આદેશ, ઉપદેશ કે નિર્દેશ કરે છે. તેની ગણના પણ અસત્ય વચનમાં જ થાય છે.
યુદ્ધ સંબંધી આદેશ, પ્રતિઆદેશ રૂ૫ વચન પણ અલીક વચનમાં જ સમાવિષ્ટ થાય છે.
આ સર્વ અસત્ય એવં હિંસક વચન, (બીજા)આશ્રવરૂપ છે અને તે જીવને વિવિધ ગતિઓમાં યાતનાઓનો અનુભવ કરાવે છે.
મૃષાવાદનું ભયાનક ફળ :- અસત્યવચન, હિંસકવચન, અસત્યાક્ષેપ આદિનો પ્રયોગ કરનાર નરકાદિ દુર્ગતિઓની યાતનાઓ લાંબાકાળ સુધી પ્રાપ્ત કરે છે.
તે મનુષ્ય ભવમાં પરાધીન, ભોગપભોગની સામગ્રીથી રહિત અને રોગમય જીવન પામે છે. તે ઉપરાંત તે લોકોત્તર આગમ સિદ્ધાંતોના શ્રવણ અને જ્ઞાનથી રહિત અને ધર્મબુદ્ધિથી રહિત જીવન પામે
અસત્ય બોલનારા અંતે અપમાન, નિંદા, દોષારોપણ અને ચુગલીને પ્રાપ્ત કરે છે. ગુરુજનો, બંધુઓ, સ્વજનો, મિત્રો દ્વારા તીક્ષ્ણ વચનોથી અનાદર પામતા રહે છે, મનને સંતાપિત કરનાર, આરોપો, મિથ્યારોપોને પ્રાપ્ત કરે છે.
તાત્પર્ય એ છે કે તે મૃષાવાદી આદર કે સન્માન પામતા નથી; શરીરથી, વચનથી, આકુળ વ્યાકુળ રહે છે તેઓ ખોટા દોષારોપણ કરી સંતાપ, સંક્લેશની જ્વાળાઓમાં હંમેશાં બળતા રહે છે. તે ભવપરંપરામાં દીનતા અને દરિદ્રતાને જ પામે છે. તેઓ લોકમાં પણ ધૃણા અને નિંદાનાપાત્ર બની રહે છે. તેને આવા દારુણ દુઃખ અનેક ભવો સુધી ભોગવવા પડે છે.
મૃષાવાદના આવા કટુ પરિણામને જાણી વિવેકી પુરુષોએ ક્ષણિક સંતુષ્ટિ આપનાર અસત્યાચરણને પૂર્ણ રૂપે તિલાંજલી આપવી જોઈએ.