________________
વર્તમાન સમાજની માંગને અનુલક્ષીને યુવાચાર્ય શ્રી મધુકર મુનિજી દ્વારા સંપાદિત વિવેચન યુક્ત હિન્દી ભાષાની આગમ બત્રીસીથી પ્રેરણા પામીને, પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા.ની જન્મ શતાબ્દી નિમિત્તે, કંઈક નવીન અને સમાજોપકારક કાર્ય કરવું કે જે ભાવિ પેઢીના માટે યુગો સુધી ઉપયોગી અને ઉપકારી બને, આ મંગલ ભાવનાથી આ પ્રકાશન થઈ રહ્યું છે. વિ. સં. ૨૦૫ર જૂનાગઢ મુકામે પૂ. તપસ્વી ગુરુદેવ રતિલાલજી મ. સા.ના સાનિધ્યમાં પૂજ્યવરા મંગલમૂર્તિ પૂ.મુક્તાબાઈ મ. પોતાના વિશાળ પરિવાર સાથે પધારેલાં તે સમયે વિદુષી સાધ્વીરત્ના પૂ. ઉષાબાઈ મ.ને અંતઃસ્કુરણા થઈ. તેમણે પૂ. તપસ્વી ગુર્દેવ અને પૂ. ગુણીમૈયા મુક્ત-લીલમ ગુણી પાસે ભાવના વ્યક્ત કરી અને તેમની સહર્ષ અનુમતિ મળી ગઈ. પૂજ્ય ગુણીમૈયાએ દરેક સાધ્વીની યોગ્યતા જોઈને આ લખાણનું કાર્ય પોતાના સાધ્વી સમુદાયમાં વિભક્ત કર્યું અને સમય જતાં ઘણું ખરું લખાઈ ગયું. પુણ્ય યોગે રાજકોટ રોયલપાર્ક ઉપાશ્રયમાં પૂજ્ય તપસ્વી ગુરુદેવની પાવન નિશ્રામાં સાધુ-સાધ્વી છંદનું સામૂહિક ચાતુર્માસ થયું.
સ્વ. પૂજ્ય ગુરુદેવ સૌરાષ્ટ્ર કેસરી શ્રી પ્રાણલાલજી મ.સા.ના જન્મ દિવસની ઉજવણીના દિવસે તેમની સ્મૃતિરૂપે આ પ્રકાશન કાર્યનો નિર્ણય થયો. શ્રી રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘે સ્વપ્ન સાકાર કરવાનું બીડું ઝડપ્યું અને તે સમયે ઉદાર દાનવીર શ્રાવક શ્રી રમણિકભાઈનાગરદાસ શાહ(ભામાશા), રાજકોટ શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ માણેકચંદ શેઠ, જૂનાગઢ સંઘ પ્રમુખશ્રી વૃજલાલ શાંતિલાલ દામાણી, જુનાગઢ સંઘ મંત્રીશ્રી સુરેશચંદ્ર પ્રભુલાલ કામદાર વગેરે ઘણા શ્રાવકોએ મળીને એક પ્રકાશન સમિતિનું નિર્માણ કર્યું અને ઉદાર શ્રીમંતોને આ કાર્યમાં સહયોગ આપવાની પ્રેરણા થઈ. તે જ દિવસે કેટલાક આગમોનાં પ્રકાશન માટે સહયોગ મળી ગયો, ઉત્સાહ વધ્યો અને પૂર જોશથી લેખનકાર્ય આગળ વધવા લાગ્યું.
રાજકોટના ચાતુર્માસમાં જ આસો સુદી ૧૦ "વિજયા દશમીના દિવસે આ પ્રકાશન કાર્ય ચાલુ કરવામાં આવ્યું.
મારા અથાગ પુણ્યોદયે મને આદસમું અંગ પ્રશ્નવ્યાકરણ સૂત્ર લખવાનો સુયોગ સાંપડેલ છે.
આ આગમ સેવાનો આદેશ પૂ. "મુક્ત-લીલમ" ગુણી મૈયા પાસેથી મળતાં મેં સહર્ષ આજ્ઞા શિરોધાર્ય કરી અને લખવાનું કાર્ય પ્રારંભ કર્યું, અનુક્રમે અનુવાદનું કાર્ય મારા ક્ષયોપશમ અનુસાર પૂર્ણ કરેલ છે.