________________
શ્રુતસ્કંધ–૨/અધ્યયન-પ
દોષથી યુક્ત હોય તેવો આહાર સાધુઓને લેવો કલ્પતો નથી.
વિવેચન :
૨૩૩
પૂર્વોક્ત સૂત્રમાં અપરિગ્રહ મહાવ્રતના પાલન માટે આહારના સંચયનો નિષેધ કર્યો છે. કારણ કે સંચય કરવો તે પરિગ્રહ છે. પ્રસ્તુત સૂત્રમાં વિશેષ પ્રકારના ત્યાગનું સૂચન છે. સાધુ સંચય ન કરે એટલું જ નહીં પરંતુ તાત્કાલિક ગ્રહણ થતો આહાર પણ નિર્દોષ અને શુદ્ધ હોવો જરૂરી છે. કારણ કે સાધુ આન્વંતર પરિગ્રહરૂપ મમત્વભાવના સર્વથા ત્યાગી હોય છે. દોષિત આહારનો સ્વીકાર તે દેહ પરનો મમત્વભાવ જ છે. તેથી નિષ્પરિગ્રહી સાધક તેનો પણ ત્યાગ કરે છે. આહાર ગ્રહણ સંબંધી દોષોનું વિસ્તૃત વર્ણન શ્રી દશવૈકાલિક સૂત્ર, આચારાંગ સૂત્રમાં કર્યું છે. મુખ્યતયા સાધુના માટે બનાવેલો, ખરીદેલો, સામે લાવેલો, અન્ય ભિક્ષુ માટે રાખેલો વગેરે આહાર સાધુ ગ્રહણ ન કરે. તેમજ આહાર નિષ્પાદનમાં કે ગ્રહણમાં કોઈ પણ સૂક્ષ્મ કે સ્થૂલ જીવની હિંસાની સંભાવના હોય, દાતાને અપ્રીતિ થાય, અન્યને આહારની અંતરાય પડે તેમ હોય, કે શાસનની હીલના થાય તેવા પ્રકારનો આહાર ગ્રહણ ન કરે.
સૂત્રમાં પ્રયુક્ત કેટલાક વિશિષ્ટ શબ્દોના અર્થ આ પ્રમાણે છે,
રચિત– સાધુના નિમિત્તે મોદક વગેરેને ગરમ કરીને ફરી મોદક રૂપે તૈયાર કરેલો આહાર.
પર્યવજાત— સાધુના નિમિત્તે આહારની એક અવસ્થા બદલીને બીજી અવસ્થામાં રૂપાંતરિત કરેલો આહાર. પ્રકીર્ણક– જમીન પર વેર વિખેર પડેલો અથવા ઢોળાતો આહાર.
પ્રાદુષ્કરણ- અંધકારમાં રાખેલો આહાર પ્રકાશમાં લાવીને આપવો અથવા પ્રકાશ કરીને આપવો.
પામિત્ય- સાધના નિમિત્તે ઉધાર લાવેલો આહાર.
મૌખર્ચ– વાચાળતા—બહુ બોલીને પ્રાપ્ત કરેલો આહાર.
સ્વયંગ્રાહ્ય– સ્વયં પોતાને હાથે લીધેલો આહાર.
આચ્છેદ્ય– નિર્બળ પાસેથી છીનવીને લીધેલો આહાર.
અનિસૃષ્ટ— ગૃહસ્થ–માલિક દ્વારા અનુજ્ઞાત ન હોય અથવા તીર્થંકરો દ્વારા અનુજ્ઞાત ન હોય તેવો આહાર.
મિશ્રજાત— સાધુ અને ગૃહસ્થ બંને માટે તૈયાર કરેલો ખાદ્ય પદાર્થ
ક્રીત– સાધુ માટે ખરીદેલો આહાર.
પ્રાભૂત– સાધુ નિમિત્તે જમણવારનો દિવસ બદલીને તૈયાર કરેલો આહાર.
નિત્યકર્મ- સાધુ નિમિત્તે દરરોજ થતો આહાર અથવા દરરોજ દાન માટે થતો આહાર.
પ્રક્ષિત– સચિત પાણી આદિથી ખરડાયેલા હાથ કે વાસણથી ભિક્ષા આપે તે.
આહત- સામે લાવીને વહોરાવે તે આહારાદિ.