________________
શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૨
કીડી, મકોડા, વનસ્પતિ, આદિ આત્માનું અનેકત્વ પ્રત્યક્ષ સિદ્ધ છે. જો આત્મા એક જ હોય તો એકનું મરણ થતાં બધાનું મરણ અને એકનો જન્મ થતાં બધાનો જન્મ થવો જોઈએ. એકના સુખી અને દુઃખી થવા પર બધા સુખી અથવા દુઃખી થવા જોઈએ. કોઈના પુણ્ય–પાપ જુદા ન હોવા જોઈએ. તે સિવાય પિતા-પુત્રમાં, પત્ની-પુત્રીમાં, માતા આદિમાં પણ ભેદ ન હોવો જોઈએ. આ રીતે એકાત્મવાદમાં સર્વ લૌકિક અને લોકોત્તર વ્યવસ્થાઓ નષ્ટ થઈ જાય છે. માટે એકાત્મવાદ પણ મૃષાવાદ છે.
વેદાન્તીઓનું કથન છે કે બ્રહ્મસ્વરૂપ આત્મા એક જ છે, જગત મિથ્યા છે. પ્રત્યેક પ્રાણીઓમાં એક જ ભૂતાત્મા છે, તે જ જલચન્દ્રની જેમ અનેક રૂપે પ્રતીત થાય છે. અકર્તવાદ - અવાર્તા નિકુંજ ભોક્તા આત્મા સહયલને સાંખ્ય મતાનુસારે આત્મા અકર્તા, નિર્ગુણ, ભોક્તા, અમૂર્ત, નિત્ય અને સર્વ વ્યાપક છે.
તે કહે છે– આત્મા બંધાયેલ નથી, તેનો મોક્ષ થતો નથી. તેનું પરિભ્રમણ નથી. તે એક ભવથી બીજા ભવમાં જતો નથી. માત્ર વિવિધ પુરુષોને આશ્રિત પ્રકૃતિનો જ સંસાર, બંધ અને મોક્ષ થાય છે.
સાંખ્યમત :- આ મતમાં મૌલિક તત્વો બે છે. પુરુષ અર્થાત્ આત્મા તથા પ્રધાન અર્થાત્ પ્રકૃતિ. સૃષ્ટિના આવિર્ભાવના સમયે પ્રકૃતિમાંથી બુદ્ધિતત્ત્વ, બુદ્ધિથી અહંકાર, અહંકારથી પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ તન્માત્રા અર્થાત્ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ તથા આ પાંચ તન્માત્રામાંથી પૃથ્વી આદિ પાંચ મહાભૂતોનો ઉદ્ભવ થાય છે. આ સાંખ્ય સૃષ્ટિની પ્રક્રિયા છે.
સાંખ્ય મતાનુસાર પુરુષ(આત્મા)નિત્ય વ્યાપક અને નિષ્ક્રિય છે. માટે તે અકર્તા પણ છે.
વિચારણીય એ છે કે જો આત્મા કર્તા નથી. તો ભોક્તા કેવી રીતે બની શકે? જેણે શુભ યા અશુભ કર્મ કર્યા નથી તે તેનું ફળ કેમ ભોગવે છે ?
પુરુષ ચેતન અને પ્રકૃતિ જડ છે અને પ્રકૃતિનો જ સંસાર કે બંધ અને મોક્ષ થાય છે.
જડ પ્રકૃતિમાં બંધ, મોક્ષ અને સંસાર માનવો મૃષાવાદ છે. તેનાથી બુદ્ધિની ઉત્પત્તિ કહેવી પણ વિરુદ્ધ છે.
સાંખ્યમતમાં ઈન્દ્રિયોને પાપ-પુણ્યનું કારણ માન્ય છે. પરંતુ વા–પાણિ, પાદ, પાયુ અને ઉપસ્થ નામની તેણે માનેલી પાંચ કર્મેન્દ્રિય જડ છે. તે પાપ-પુણ્યનું ઉપાર્જન કરી શકતી નથી. સ્પર્શન આદિ પાંચ જ્ઞાનેન્દ્રિયો પણ દ્રવ્ય અને ભાવના ભેદથી બે—બે પ્રકારની છે. દ્રવ્યન્દ્રિયો જડ છે. તે પણ પાપ-પુણ્યનું કારણ થઈ શકતી નથી. ભાવેન્દ્રિયો આત્માથી કથંચિત અભિન્ન છે. તેથી તેને કારણે માની શકાય નહીં.
આત્માને એકાંત નિત્ય-કૂટસ્થ અપરિણામી, નિષ્ક્રિય, નિર્ગુણ અને નિર્લેપ માનવો તે પણ અપ્રમાણિક છે. જ્યારે આત્મા સુખ-દુખનો ભોક્તા છે, તો અવશ્ય જ તેમાં પરિણમન માનવું પડશે.