________________
૨૦ |
શ્રી પ્રશ્નવ્યાકરણ 2
ઉત્પન્ન થઈ અને વિનાશ પામે છે. આ ભવ જ એક માત્ર ભવ છે. આ ભવનો સમૂલ નાશ થવા પર સર્વનાશ થઈ જાય છે અર્થાત્ આત્મા જેવી કોઈ વસ્તુ શેષ રહેતી નથી. આ કારણે દાન દેવું, વ્રત પચ્ચખાણ કરવા, પૌષધની આરાધના કરવી, તપસ્યા કરવી, સંયમનું આચરણ કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું આદિ કલ્યાણકારી અનુષ્ઠાનોનું ફળ નથી. પ્રાણવધ અને અસત્યભાષણ પણ અશુભ-ફળદાયક નથી. ચોરી અને પરસ્ત્રીસેવન તે પાપ નથી. પરિગ્રહ અને અન્ય પાપકર્મ પણ નિષ્ફળ છે અર્થાત્ તેનું પણ કોઈ અશુભ ફળ નથી. નારકો, તિર્યંચો અને મનુષ્યોની યોનીઓ નથી. દેવલોક પણ નથી. મોક્ષગમન અર્થાત્ મુક્તિ પણ નથી, માતા-પિતા પણ નથી. પુરૂષાર્થ પણ નથી. કાર્યની સિદ્ધિમાં પુરુષાર્થ કારણ નથી. પ્રત્યાખ્યાન અને ત્યાગ પણ નથી. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ નથી. મૃત્યુ નથી. અરિહંત, ચક્રવર્તી, બળદેવ અને વાસુદેવ પણ નથી. કોઈ ઋષિ નથી, કોઈ મુનિ નથી. ધર્મ અને અધર્મનું અલ્પ કે અધિક કિંચિત્ માત્ર પણ ફળ નથી. આવું જાણી ઈન્દ્રિયોને અનુકૂળ(રુચિકર) સર્વ વિષયોમાં પ્રવૃત્ત કરો. કોઈ શુભ કે અશુભ ક્રિયા નથી અને કોઈ અક્રિયા પણ નથી. આ પ્રકારે લોક–વિપરીત માન્યતા ધરાવનારા, નાસ્તિક વિચારધારાનું અનુસરણ કરતાં આ પ્રકારનું કથન કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નાસ્તિકવાદીઓની માન્યતાનું દિગ્દર્શન કરાવ્યું છે. અનેક લોકો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે, પોતાના વિચારોનો આગ્રહ રાખે છે અને અનેક પ્રકારે અસતુ પ્રરૂપણા કરે છે. તેમાં અનેક મત-મતાંતર પ્રવર્તે છે. (૧) શુન્યવાદ :- તેઓના મતે આ સંપૂર્ણ જગત સ્વપ્ન સૃષ્ટિ સમ શુન્ય છે. પ્રાણી પોતાની ભ્રાંતિના કારણે અનેકવિધ પદાર્થોના અસ્તિત્વને સ્વીકારે છે. જગત શૂન્ય હોવાથી પુણ્ય-પાપ, તેનું ફળ વગેરે કાંઈ જ નથી.
અહીં વિચારણીય છે કે શૂન્યવાદીઓના મતે જગત શૂન્ય છે તો શૂન્યવાદી સ્વયં શૂન્ય છે કે અશૂન્ય? જો શૂન્ય હોય તો કોઈ પ્રકારનો તર્ક સંભવિત નથી અને અશૂન્ય હોય તો શૂન્યવાદનું ખંડન થઈ જાય છે. તેથી શૂન્યવાદ સંગત નથી. (૨) અનાત્મવાદઃ- તેઓના મતે આત્માની કોઈ સૈકાલિક સત્તા નથી. પાંચ ભૂતના સમાગમે ચૈતન્ય ઉત્પન્ન થાય છે અને પંચ મહાભૂત વિલીન થાય ત્યારે આત્માનો પણ વિલય થાય છે. આત્માનો નાશ થતાં પુનર્જન્મ કે પુણ્ય-પાપના ફળનું અસ્તિત્વ રહેતું નથી.
આ માન્યતા પણ તર્કસંગત નથી. પ્રત્યક્ષ અનુમાન અને આગમ પ્રમાણથી આત્માની સૈકાલિક સત્તા સિદ્ધ થાય છે. પાંચ ભૂતના સંયોગે ચૈતન્યની ઉત્પત્તિ થાય છે તે કથન ઉચિત નથી. કારણ કે પાંચ ભૂતમાં ચૈતન્યનો અંશ હોય તો જ તેના સમાગમ ચૈતન્યની ઉત્પત્તિ થાય. જેવું કારણ તેવું જ કાર્ય ઉત્પન્ન થાય છે. જો પાંચ ભૂતમાં ચૈતન્યનો અંશ ન હોય છતાં તેના સમાગમ ચેતન્ય ઉત્પન્ન થાય તો રેતીમાંથી પણ તેલ નીકળવું જોઈએ. પરંતુ તે સર્વથા અશક્ય છે.