________________
૧૦
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
વિવેચન :
આ સૂત્રમાં પ્રથમ વર્ગનાં શેષ રહેલાં નવ અધ્યયનોનું વર્ણન કર્યું છે. તેનો વિષય પણ પ્રાયઃ પહેલા અધ્યયનની સાથે સામ્ય ધરાવે છે. વિશેષતા ફક્ત એટલી છે કે તેમાંથી સાત તો ધારિણી દેવીના પુત્ર હતા અને વેહલ્લકુમાર અને વેહાયસકુમાર બન્ને ચેલણા દેવીના તથા અભયકુમાર નંદાદેવીના પુત્ર હતા. પહેલાંના પાંચ કુમારોએ ૧૬ વર્ષ સંયમનું પાલન કર્યું હતું. ત્રણ કુમારોએ ૧૨ વર્ષ સુધી અને બાકીના બે કુમારોએ પાંચ વર્ષ સુધી સંયમ પર્યાયનું પાલન કર્યું. પહેલાં પાંચ કુમારો અનુક્રમથી પાંચ અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયા અને પાછળના પાંચ કુમારો અક્રમથી અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયા. એકંદરે આ દશે ય મુનિઓએ ઉત્કૃષ્ટ સંયમનું પાલન કર્યું, તેના ફળ સ્વરૂપે એકાવતારી પદને પ્રાપ્ત કર્યું. સમ્યક્ ચારિત્રનું ફળ તો એકાંત નિર્જરા અને મોક્ષ જ છે, તેમ છતાં કર્મો શેષ રહેવાથી આ બધા મુનિઓ અનુત્તર વિમાનવાસી દેવ બન્યા છે. ત્યાં અનાસક્ત ભાવે ઉત્તમ પ્રકારનાં પુણ્યનો ભોગવટો કરીને, મનુષ્ય જન્મ ધારણ કરીને તેઓ સિદ્ધ થશે. આ રીતે સમ્યક્ ચારિત્રનું પાલન તે જ મનુષ્ય જન્મની સફળતા છે.
॥ વર્ગ-૧ | ૨ થી ૧૦ સંપૂર્ણ ॥