________________
સંપાદકીય
અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ.
મુમુક્ષુ પાઠક !
આ નવમું અંગ અનુત્તરોપપાતિક સૂત્ર ગુજરાતી અનુવાદ સહિત પ. પૂ. વાચના પ્રવર ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબની જન્મશતાબ્દીનું નિમિત્ત પામી પ્રસિદ્ધ થઈ રહેલું છે. કેવું સુંદર નામ છે તેનું! તેમાં બધી જ ક્રિયા અનુત્તર–ઉચ્ચ પ્રકારની છે. તેનું કદ બહુ મોટું નથી તેમજ સાવ નાનું પણ નથી. ફક્ત ત્રણ વર્ગમાં વહેચાયેલું છે. પ્રધાન ધર્મકથાનુયોગ છે, ગૌણતાએ ત્રણે ય યોગ સમાય જાય છે. કોઈ વસ્તુ એવી નથી કે જેમાં ચારે ય અનુયોગ, સાત નય, ચાર નિક્ષેપ, અનંત ભાવભેદ ભરેલા ન હોય, કારણ કે વસ્તુ પોતે જ અનંત ધર્મયુક્ત છે.
આ અંગ તીર્થકર ભાષિત છે અને ત્રિપદી સાંભળીને સૂત્ર રૂપે ગ્રથિત ગણધર કરે છે. તેને શાસ્ત્રમાં અંગપ્રવિષ્ટ કહેલ છે.
અંગ પ્રવિષ્ટ શ્રુતની વ્યાખ્યા નીચે પ્રમાણે છે(૧) શ્રુતરૂપ પુરુષના અંગમાં પ્રવેશી અંગરૂપ બનેલું શ્રુત તે અંગ પ્રવિષ્ટ છે. (૨) ગણધરોએ સાક્ષાત્ રચેલું શ્રુત તે અંગ પ્રવિષ્ટ છે. (૩) પ્રશ્નત્રય અને ત્રિપદી રૂપ આદેશ દ્વારા ઉત્પન્ન થયેલું શ્રુત તે અંગપ્રવિષ્ટ છે. (૪) સર્વ તીર્થકરોના તીર્થમાં નિયત એવું શ્રુત તે અંગપ્રવિષ્ટ છે.
આ સૂત્રમાં ૩૩ આત્માઓનું પ્રયોગ સિદ્ધ જીવન કવન છે. આ ૩૩ આત્માઓ આઠ કર્મથી બદ્ધ છે. તેઓ મનુષ્ય જન્મ ધારણ કરી શરીરાદિ નામકર્મના ઉદયને પામી, મોહાદિ ઘાતિકર્મને આધીન વેદત્રયના ફળ સ્વરૂપે વાસનાજનિત ભાવોને ભોગવતાં સંસાર વૃક્ષની વૃદ્ધિ ન થઈ જાય તેની સાવધાની રાખતાં, અનંત સંસારમાં પાછું ધકેલાઈ ન જવું પડે તેવો સત્સંગ પામતાં, પંચ પરમેષ્ઠી પુરુષનું આલંબન લેતાં, ભક્ત ભોગી
—