________________
અંતગડ શાસ્ત્રમાં જે મહાત્માઓનું, જે સ્ત્રીઓનું નામાંકન થયું છે તેના ત્યાગ, તપનો તો ઘણો મહિમા છે. કોઈ દ્વારકા નગરીના રાજાની રાણીઓ હતી, તો કોઈ મગધ દેશની મહારાણી હતી. જેઓએ આવું ઉગ્ર તપ કર્યુ છે અને સાધુ જીવનનો સ્વીકાર કરીને મોક્ષગામી બની ગયા છે. તેઓનું વર્ણન વાંચતાની સાથે રોમાંચ થઈ જાય છે. આવા કઠિનતમ તપનું મહત્વ શું છે? જૈનશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનનું અંતરંગ જોતા ખ્યાલ આવે છે કે જે કોઈ ઊપલબ્ધિઓ પ્રાપ્ત થાય છે તેના મૂળમાં તપશ્ચર્યા જ કારણ છે, કોઈ લોકો તપશ્ચર્યાનું મહત્ત્વ માનતા નથી. તેઓને ખબર નથી કે તેમને જે આ બુદ્ધિ કે જ્ઞાન પ્રાપ્ત થયેલ છે તે કોઈ જન્મની તપશ્ચર્યાથી જ પ્રાપ્ત થયું છે.
કોઈ કહે છે કે, ભગવાન બુદ્ધ ઘોર તપશ્ચર્યા કર્યા પછી તપશ્ચર્યાનો નિષેધ કર્યો અને તેઓએ બોધિજ્ઞાન'પ્રાપ્ત કર્યું પરંતુ ભગવાન બુદ્ધ એ ભૂલવું ન જોઈએ કે તપશ્ચર્યા પછી જ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ખેતરના સારા પાકનું કારણ ખેડૂતની ઉત્તમ ખેતી જ કારણ છે. તપશ્ચર્યા એ જીવનનું કૃષિકાર્ય છે. ત્યાર પછી જ જ્ઞાનની, મુક્તિની ફસલ ઉત્પન્ન થાય છે. અંતગડના વિષયમાં અમારે ઘણું કહેવાનું છે પરંતુ અહીં અમો આટલું જ સંક્ષેપમાં લખીને સંતોષ માનીએ છીએ. લેખ પૂર્ણ કરતાં પહેલાં એટલું જ કહેવા ઈચ્છીએ છીએ કે આપ સર્વ અંતગઢ અવશ્ય વાંચો. અંતગડમાં ભગવાન શ્રીકૃષ્ણ, તેઓની દ્વારિકા નગરી તેમજ યદુવંશ અને યદુવંશમાં જન્મેલા શ્રેષ્ઠ પુરુષોનું અત્યંત રસમય વર્ણન છે. જે વાંચવાથી ભગવાન કૃષ્ણનું જૈનધર્મ પ્રત્યેનું અનુપમ આકર્ષણ જોવા મળે છે. જગતમાં પરમાત્મા અને પરમ પુરુષનું જે સ્થાન છે તે સ્થાન રામ અને કૃષ્ણને જૈનાગમમાં પ્રાપ્ત થયું છે.
જયંત મુનિ પેટરબાર