________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા.
જૈનાગમોની ભાષાની સરળતા તે જ તેનું સાચું આભૂષણ છે. દ્રવ્યાનુયોગ આદિ ચાર વિભાગોમાં જેનાગમાં વિભાજિત થયેલા છે જૈન તત્ત્વજ્ઞોમાં તે વાત સુપ્રસિદ્ધ છે. ચાર અનુયોગમાં કથાનુયોગ જૈન આગમનો સ્વતઃ ઈતિહાસ બની ગયો છે. આ કથાનુયોગથી તે સમયની સામાજિક વ્યવસ્થા, રાજાઓનો વૈભવ, સામાન્ય જનજીવન અને ભૌગોલિક પરિસ્થિતિ, વનાચલની સંપત્તિ, બાગ બગીચા તેમજ ગોપાલનનું વિસ્તૃત વર્ણન મળે છે. જૈનાગમની સુપ્રસિદ્ધ જેટલી કથાઓ છે તે સર્વ વૈભવોથી ભરેલી છે પરંતુ તે સર્વ કથાઓની પરિપાટી એક જ દેખાય છે. પછી તે કોઈ રાજકુમાર હોય કે કોઈ શ્રેષ્ઠીપુત્ર હોય કે રાજદરબારની મહિલાઓ હોય, તેઓ ભોગમાં લિપ્ત હતા પરંતુ ત્યાગી શ્રમણ કે શ્રમણીઓના પરિચયમાં આવતા જ તેઓને તરત જ વૈરાગ્યનો રંગ લાગી જતો અને તેઓ વૈભવો, ભોગોના પ્રયોગને છોડીને ત્યાગી બની જતા હતા.
જૈનાગમમાં કોઈ ત્યાગી એવા સ્થાનની સ્પર્શના કરી લેતા કે જ્યાં તેઓ અધ્યાત્મ શ્રેણી ઉપર આરૂઢ થઈ આત્મોન્નતિની ચરમ સીમાને પાર કરી જતા. તેને જૈનાગમમાં અરિહંત કહે છે. આ અરિહંતોમાં કોઈ એક અરિહંત એવા થયા છે કે જે અરિહંત પદ પર આરૂઢ થતા જ દેહ ત્યાગ કરી મુક્ત થઈ જતા હતા. જૈનાગમમાં આવા મુક્તાત્માને અંતકૃત કેવળી કહે છે. અંતકૃત માટે માગધી ભાષામાં અંતગડ શબ્દ મળે છે અર્થાત્ અંત સમયે જેઓએ જીવનની સાધના પૂર્ણ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને તે જ સમયે મોક્ષ પ્રાપ્ત કર્યો છે.
ગણધરોએ, જૈન સાહિત્યકારોએ અંતગડ આત્માઓનું એક સ્વતંત્ર શાસ્ત્ર ગુંથન કર્યું છે. તેનુ અંતગડ સૂત્ર એવું નામ છે. આ પવિત્ર શાસ્ત્રની ગણના જૈનાગમના અગ્રશાસ્ત્રોની કડીમાં આઠમા નંબરના સ્થાને રાખેલ છે. સાધુ સંતોએ આ શાસ્ત્રને ઘણું મહત્વનું સ્થાન આપી મહાન પર્વ પર્યુષણમાં તેની વાચના કરવાની પરિપાટી કરી છે.